રિપોર્ટ@દેશ: ભાજપને બહુમત ન મળતાં આ નેતાઓ ફરી બનશે મંત્રી? જાણો વિગતવાર

 
ભાજપ
સીઆર પાટીલ પાસે હવે પ્રદેશ અધ્યક્ષનું કાર્યકારી પદ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં ભાજપને બહુમત ન મળતાં એનડીએની સરકાર માટે નાયડુ અને નીતિશ મજબૂરી બની ગયા છે. ગુજરાતમાંથી ભલે 26માંથી 25 સીટોથી ભાજપ વિજેતા બન્યું છે પણ NDAની મજબૂરીમાં ગુજરાતે સૌથી વધારે સહન કરવું પડશે. નીતિશથી લઈને નાયડુએ મંત્રાલયોની ડિમાન્ડોનું લિસ્ટ ભાજપને સોંપ્યું છે. દિલ્હીની 2.0 સરકારમાં ગુજરાત પાસે 7 મંત્રાલયો હતા. ભાજપે દર્શના જરદૌશ અને મહેન્દ્ર મુંજપરાને તો ટિકિટ જ આપી નથી પણ જેપી નડ્ડા, જયશંકર, માંડવિયા અને અમિત શાહને સાચવવામાં સૌથી મોટો ઘડો લાડવો રૂપાલા, દેવુસિંહ ચૌહાણનો થવાનો છે.રૂપાલાના વિવાદને કારણે ભાજપ ફરી એમને મંત્રાલય સોંપે તેવી સંભાવના નથી. 

ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં ભાજપે લોકસભા સુધી એમને જવાબદારી સોંપી હતી. તેઓ સૌથી વધારે લીડથી જીતનાર નેતા છે. એમના કાર્યકાળમાં ભાજપ 156 સીટો જીતવાની સાથે રાજ્યમાં 25 લોકસભા સીટો પર વિજેતા બન્યું છે. સીઆર પાટીલ પાસે હવે પ્રદેશ અધ્યક્ષનું કાર્યકારી પદ છે. ભાજપ સામે સૌથી મોટુ સંકટ હવે ગઠબંધન સરકાર છે. સહયોગીઓને સાચવવામાં ભાજપ પાસે મંત્રાલયો ઘટવાની સાથે ભાજપે ગુજરાતને બદલે બીજા રાજ્યો પર ફોકસ વધારવું પડશે. જેને પગલે મંત્રાલયો બીજા રાજ્યોમાં વહેંચાય તેવી પણ પૂરી સંભાવના છે.

ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતના ભાગે 7 મંત્રાલયો હતા. જેમાં વિદેશમંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી એમનું કેબિનેટ પદ પાક્કું છે. અમિત ભાઈ શાહ પણ કેબિનેટ મંત્રી બનશે. હવે માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે. રૂપાલા કપાય તો જ માંડવિયાને ફરી લોટરી લાગી શકે છે. ભાજપ માટે વિકટની સ્થિતિ એ છે કે જેપી નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. હવે નડ્ડાને પણ ગુજરાતમાંથી મંત્રાલય અપાય તો દેવુસિંહ ચૌહાણને ઝટકો લાગી શકે છે. ભાજપ દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા, દર્શનાબેન જરદૌશ અને રૂપાલાનું મંત્રાલય કાપે તો પણ ગુજરાતમાંથી 4 મોટા નેતાઓને કેબિનેટ મંત્રાલય સોંપવું પડે. જેમાં પાટીલના કેબિનેટ મંત્રી બનવાના સપનાં રોળાઈ જવાની પૂરી સંભાવના છે. મોદી અને અમિત શાહ માટે આગામી સમય વિકટ બની રહેવાનો છે.