રિપોર્ટ@દેશ: મહારાષ્ટ્રમાં મતદાન મથકે EVMમાં આગ લાગતા મચી અફરાતફરી
ઘટનામાં બે ઈવીએમ અને મતદાન સંબંધિત ટેકનિકલ સામગ્રી બળી ગઈ હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રમાં આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક મતદારે ઈવીએમ મશીનને આગ ચાંપી દીધી છે. મતદાન મથક પર હાજર અધિકારીઓએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. સાંગોલા તાલુકાના બાદલવાડીમાં આ ઘટના પ્રકાશમાં આવી છે.યુવકને પોલીસને હવાલે કર્યો હતો. ઈવીએમ મશીનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના માધા મતવિસ્તારમાં બની હતી. આ ઘટના બપોરે ત્રણ વાગ્યે બની હતી.
આ ઘટનામાં બે ઈવીએમ અને મતદાન સંબંધિત ટેકનિકલ સામગ્રી બળી ગઈ હતી. એક મતદારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પેટ્રોલ રેડીને તેને આગ લગાવી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ ઈવીએમમાં લાગેલી આગને પાણીથી ઓલવવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે લોકો મતદાન મથકની અંદર અને બહાર અવાજ કરી રહ્યા છે. ઘટનાને કારણે નવું મશીન આવે ત્યાં સુધી થોડો સમય મતદાન અટકાવવું પડ્યું હતું. ઘટના બાદ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.