રિપોર્ટ@દેશ: જાતિ આધારિત વસ્તી ગણતરીને લઇને ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન

 
અમિતસાહ

લોકોને જાતે પોતાની ગણતરી કરવાની તક મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં ટૂંક સમયમાં વસતી ગણતરી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આ બાબતના સંકેત આપ્યા છે. તેઓએ આ બાબતમાં ક્યારથી તેની શરૂઆત થશે તેની તારીખને લઈને સ્પષ્ટ કંઈ કહ્યું નથી. જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે પણ ચર્ચા કરી હતી. દેશમાં વસતી ગણતરીની તૈયારીઓ ચાલી રહી છે. જાતિ આધારિત વસતી ગણતરી અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે જ્યારે પણ અમે વસ્તી ગણતરીની જાહેરાત કરીશું ત્યારે તમામ માહિતી સાર્વજનિક કરી દેવામાં આવશે.

અગાઉ વર્ષ 2021માં કોરોના મહામારીને પગલે વસતી ગણતરી થઈ શકી નહોતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તે બાબતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. એક ટોચના સરકારી અધિકારીએ આ બાબતે કહ્યું હતું કે, 'જાતિ આધારિત વસતી ગણતરી હાથ ધરવાનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે અને આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.' ખાસ વાત એ છે કે ગયા વર્ષે લાગુ કરાયેલો મહિલા ક્વોટા પણ વસ્તી ગણતરી સાથે જોડાયેલો છે. રાજકીય પક્ષો વસતી ગણતરીમાં જાતિ આધારિત ગણતરી કરાવવાની જોરદાર માંગ કરી રહ્યા છે. 

અધિકારીઓએ જણાવ્યું કે સરકાર સમગ્ર વસ્તી ગણતરી અને NPR પ્રક્રિયા પર રૂ. 12,000 કરોડથી વધુ ખર્ચ કરે તેવી શક્યતા છે. આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી હશે, જેના થકી લોકોને જાતે પોતાની ગણતરી કરવાની તક મળશે. આ માટે, સેન્સસ ઓથોરિટીએ સ્વ-ગણતરી પોર્ટલ તૈયાર કર્યું છે, જે હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. સ્વ-ગણતરી દરમિયાન આધાર અથવા મોબાઈલ નંબર ફરજિયાત જનરેટ કરવામાં આવશે.