રિપોર્ટ@દેશ: વિપક્ષના હોબાળા મુદ્દે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, બપોરે 3 વાગ્યે ચર્ચા માટે તૈયાર

 
અમિત શાહ
પરંતુ વિપક્ષે સંસદની કાર્યવાહી ચાલવા દેવી જોઈએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

NEET પેપર લીક અને જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પાસે આ મુદ્દે જવાબની માંગ કરી રહ્યો હતો. હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચા માટે તૈયાર છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે, સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષે સંસદની કાર્યવાહી ચાલવા દેવી જોઈએ. તેમણે વિપક્ષને સલાહ આપી કે બપોરે 2 વાગ્યા સુધીમાં લોકસભા સ્પીકરને ચર્ચા માટે પત્ર આપવામાં આવે.

તેઓએ જણાવ્યું કે ત્યારબાદ સરકાર આજે બપોરે 3 વાગ્યાથી રાત સુધી અને બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી પણ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ પોતે પણ ચર્ચામાં હાજર રહેશે. ગૃહમંત્રીએ કહ્યું કે સંસદનું સત્ર શરૂ થયું ત્યારથી તેઓ નિયમિત રીતે સંસદમાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી અને NEET પેપર લીકને લઈને થયેલા વિદ્યાર્થીઓના આંદોલન સાથે જોડાયેલા દરેક પ્રશ્નનો જવાબ આપવા સરકાર તૈયાર છે.

અમિતભાઈ શાહે એમ પણ કહ્યું કે, તેઓ એ સવાલનો જવાબ આપવા તૈયાર છે કે વિપક્ષે સંસદની કાર્યવાહી કેમ ચાલવા દીધી નથી. તેમણે વિપક્ષ સામે સીધો સવાલ મૂક્યો કે હવે નિર્ણય તેણે કરવાનો છે કે તેને આ મુદ્દે ચર્ચા કરવી છે કે પછી ચર્ચાથી બચવું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર હંમેશા દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર રહી છે. જોકે, સંસદમાં ચર્ચા માટે ચોક્કસ નિયમો અને પ્રક્રિયા હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આટલા ગંભીર મુદ્દે માત્ર નિવેદન આપીને ચર્ચા પૂર્ણ થઈ શકે નહીં. સંસદમાં કોઈપણ મુદ્દા પર વિગતવાર ચર્ચા થવી જોઈએ અને સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે.