રીપોર્ટ@દેશ: પીએમ મોદીએ જીએસટીને લઈને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ ઉપર કર્યા પ્રહાર

 
મોદી
જીએસટી રિફંડનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર દિલ્હી ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કાર્યકર્તાઓ અને જનતાને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જીએસટીને લઈને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસની હિમાચલ સરકાર પર મોંઘવારી વધારવાનો અને લોકોને રાહત ન આપવાનો આરોપ લગાવ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર પ્રહાર કરતા કહ્યું હતું કે વિપક્ષ કહે છે બીજું કઇ અને ઊંધું કરે છે, જેઓ અમે જીએસટીના ભાવમાં ઘટાડો કર્યો કે તરત જ તેઓએ હિમાચલમાં સિમેન્ટના ભાવ વધારી દીધા અને તેમની તિજોરી ભરવાનું શરૂ કર્યું.

હિમાચલ સરકારે તરત જ જનતાને મળનાર રકમ લૂંટવાનું શરૂ કરી દીધું. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફંડનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ. અમારે ગ્રાહકોને જાણ કરવી પડશે અને પોતાના દુકાનદારોને શિક્ષિત કરવા પડશે. આપણે જ્યાં વિપક્ષમાં છીએ ત્યાં આપણી જવાબદારી વધુ વધી જાય છે. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે જીએસટીમાં ઘટાડો થવાનો સંપૂર્ણ લાભ ત્યાંની જનતા સુધી પહોંચે. આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે અને સ્વદેશીને અપનાવવાનું છે.ભાજપના કાર્યકર્તાઓને જવાબદારી આપતા પીએમ મોદીએ કહ્યું કે દરેક દુકાન પર એક બોર્ડ હોવું જોઈએ અને તે પણ એક મોટું બોર્ડ જેના પર લખેલું હોય, ગર્વથી કહો, આ સ્વદેશી છે. દરેક દુકાન પર લગાવવું જોઈએ. તે ભાજપના દરેક કાર્યકર્તાની જવાબદારી છે. વિદેશી ઉત્પાદનો પર આપણી નિર્ભરતા જેટલી ઓછી થશે, તેટલું જ દેશનું ભલું થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશનો દરેક તહેવાર દિલ્હીમાં ભારત અને ભારતીયતાના તહેવાર જેવો હોવો જોઈએ. આપણે બધાએ તેના માટે પ્રયાસ કરવો જોઈએ. જ્યારે અમે સિંગાપોર એરપોર્ટ પર ઉતરીએ છીએ ત્યારે દિવાળી દરમિયાન ત્યાં રોશની હોય છે. દિવાળીની શુભેચ્છા લખેલી હોય છે. દુનિયાના અનેક દેશોમાં જ્યારે તે દેશોના વડાઓ દિવાળી પર દીવા પ્રગટાવે છે ત્યારે આપણને આનંદ થાય છે કે નહીં? આપણને ગર્વ થાય છે.પીએમ મોદીએ કહ્યું કે જો આપણે ભારતના દરેક રાજ્યના મોટા તહેવારો અહીં ઉજવીશું, તો તે સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર આવશે. દેશની એકતા માટે તે ખૂબ જ જરૂરી છે.