ઘટના@દેશ: LPG સિલિન્ડરોથી ભરેલી ટ્રકમાં લાગી આગ, ધડાધડ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મચી અફરતફરી

 
દુર્ઘટના
ટ્રકમાં 300થી વધુ સિલિન્ડર ભરેલા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

મુરાદાબાદમાં આજે કાશીપુરા હાઇવે પર LPG સિલિન્ડરોથી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. આગના કારણે એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. જેના કારણે સમગ્ર વિસ્તાર વિસ્ફોટથી હચમચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં કાશીપુરા હાઇવે પર બપોરના સમયગાળામાં LPG સિલિન્ડરોથી ભરેલી ટ્રકમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી.આગના કારણે ટ્રકમાં રહેલા સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થયા હતા. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો તેમના ઘર અને દુકાનો છોડીને ભાગી ગયા હતા.બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે, આગમાં કોઈને જાનહાનિ થયાના અહેવાલ સામે આવ્યા નથી. પણ હાઈવે પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા.ટ્રક દિલ્હીથી કાશીપુર જઈ રહી હતી.

 

ટ્રકમાં 300થી વધુ સિલિન્ડર ભરેલા હતા. ગુલડિયા અને સિદાવલી વચ્ચેના હાઈવે પર એક ખેતર પાસે ટ્રકનો ડ્રાઈવર કોઈ કારણોસર રોકાયો હતો. આ દરમિયાન વાયરિંગમાંથી સ્પાર્ક થતાં ટ્રકમાં આગ લાગી હતી. જે બાદ આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. પરિણામે ટ્રકમાં રહેલા સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા.