રિપોર્ટ@દેશ: PM મોદીનો રાહુલ ગાંધી પર કટાક્ષ, 'મેં પહેલા જ કહ્યું હતું ડરશો નહીં, ગભરાશો નહીં'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. અહીં જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે, વાયનાડમાં હારના ડરથી શેહજાદા પોતાના માટે બીજી બેઠક શોધી રહ્યો છે. હવે તેમણે અમેઠીના બદલે રાયબરેલી બેઠક પસંદ કરી છે. હું તેમને કહીશ, ગભરાશો નહીં, ભાગશો નહીં, આ વખતે કોંગ્રેસની બેઠક પહેલાં કરતાં ઓછી થશે.'
તેમણે કહ્યું, 'વિશ્વમાં કોઈ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે કે ભગવાનના રૂપમાં લોકો આટલા બધા આશીર્વાદ વરસાવે અને સતત વરસાવે, તમે એ પણ જાણો છો કે જો પદ અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો એક વખત કોઈ વ્યક્તિ પીએમના શપથ લે છે, તો તે ચોક્કસપણે તેના જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને તેમનું નામ ઈતિહાસમાં નોંધાઈ જાય છે. લોકોને લાગે છે કે મોદીજી બે વખત પીએમ રહી ચૂક્યા છે અને દુનિયામાં એટલા પ્રખ્યાત થઈ ગયા છે. અરે, થોડો સમય આરામ કરો. હું મોજ- મજા કરવા માટે જન્મ્યો નથી. હું 140 કરોડ દેશવાસીઓની સેવા કરવા નીકળ્યો છું.'
પરિવારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'મારો પરિવાર તમે છો. મારું ભારત, મારો પરિવાર છે. જો મારો કોઈ વારસદાર હોય તો દેશના દરેક પરિવારના બાળકો મારા વારસદાર છે. હું તેમના માટે કંઈક છોડવા માંગુ છું. વામપંથી, તૃણમૂલ અને કોંગ્રેસના લોકો પાસે વિકાસ માટે કોઈ વિઝન નથી. તેઓ માત્ર એક જ વાત જાણે છે અને તે છે મત મેળવવા માટે સમાજ અને દેશના ભાગલા પાડવા.'
તેઓએ વધુમાં કહ્યું, 'વામપંથી, તૃણમૂલ અને કોંગ્રેસ શું કરી રહ્યા છે? તેઓ કહે છે કે મોદીને ગોળી મારી દો, પરંતુ હું ડરતો નથી. અને હું ગરીબીમાંથી બહાર આવ્યો છું, તેથી ડર મારા શબ્દકોશમાં નથી.' ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પોતાની જૂની બેઠક અમેઠી છોડીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા.