રિપોર્ટ@દેશ: સંસદના શિયાળુ સત્ર પહેલાં PM મોદીનું નિવેદન, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભા ચૂંટણી બાદથી અત્યાર સુધી દેશનો રાજકીય માહોલ ઘણો બદલાઈ ગયો છે. પરંતુ તેમ છતાં વિપક્ષી પાર્ટીના જે પ્રકારના તેવર છે, તેનાથી સ્પષ્ટ છે કે સોમવાર એટલે કે આજથી શરૂ થતું શિયાળુ સત્ર પણ હંગામેદાર રહેશે. આ શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદી સંસદની બહાર પહોંચ્યા ત્યારે તેમણે પત્રકારોને સંબોધ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે આ વખતે સંસદનું શિયાળું સત્ર ઠંડુ જ રહેશે. તેમણે વિપક્ષ સામે આરોપ મૂક્યો કે અમુક લોકો તેમના રાજકીય સ્વાર્થ માટે સંસદમાં હોબાળો કરે છે અને સંસદની કાર્યવાહીમાં અવરોધ પેદા કરે છે. તેઓ સંસદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. પ્રજા આવા હોબાળો કરનારા લોકોને નકારી રહી છે.
સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં મીડિયા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને સંસદમાં સ્વસ્થ ચર્ચા કરવાની અપીલ કરી હતી. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે સંસદમાં ચર્ચા ન થવા દેવાનો આરોપ લગાવ્યો. વડાપ્રધાને કહ્યું કે 'આ વર્ષ 2024નો છેલ્લો સમયગાળો છે.' દેશ 2025ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારી કરી રહ્યો છે. સંસદનું આ સત્ર ઘણી રીતે ખાસ છે. વડાપ્રધાને કહ્યું, 'આવતીકાલે બંધારણ સભામાં દરેક લોકો આ બંધારણના 75મા વર્ષની ઉજવણીની શરૂઆત કરવા માટે એકસાથે આવશે. બંધારણ ઘડતી વખતે, બંધારણના ઘડવૈયાઓએ દરેક મુદ્દા પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરી, ત્યારે જ આપણને આવો ઉત્તમ દસ્તાવેજ મળ્યો છે. તેનું મહત્ત્વનું એકમ આપણા સાંસદો અને આપણી સંસદ પણ છે. સંસદમાં તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ, વધુને વધુ લોકોએ ચર્ચામાં સહયોગ આપવોજોઈએ.એ સૌથી વધુ દુઃખની વાત છે કે, જે નવા સાંસદ નવા વિચાર અને નવી ઉર્જા લઈને આવે છે, તેમના અધિકારોને અમુક લોકો ગબોચી દે છે. ગૃહમાં તેમને બોલવાની તક નથી મળતી.'
વડાપ્રધાને વિપક્ષ પર વધુ પ્રહાર કરતાં કહ્યું કે, લોકતાંત્રિક પરંપરામાં દરેક પેઢીનું કામ આગામી પેઢીને તૈયાર કરવાનું હોય છે, પરંતુ જે લોકોને 80-90 વખત જનતા દ્વારા સતત નકારવામાં આવ્યા છે, તેઓ ન તો સંસદમાં ચર્ચા થવા દે છે અને ન તો લોકશાહીની ભાવનાનું સન્માન કરે છે. તેઓ લોકોની આકાંક્ષાઓને સમજી શકતા નથી. પરિણામ એ છે કે તેઓ ક્યારેય જાહેર જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી.