રિપોર્ટ@દેશ: 5 જૂનના રોજ વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, 97 કરોડના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

 
મોદી
દમણ સિવિલ એરપોર્ટનું ઉદ્ઘાટન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદી આગામી 5 જૂનના રોજ ફરી એકવાર ગુજરાત અને સંઘપ્રદેશ દમણના હાઈપ્રોફાઈલ પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્ર તેમજ ભાજપ સંગઠન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના આ ટૂંકા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન દક્ષિણ ગુજરાતના સુરત શહેર અને સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીની મુલાકાત લેશે, જ્યાં તેઓ કરોડો રૂપિયાના વિવિધ લોકઉપયોગી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ સાથે જ બંને સ્થળો પર પીએમ મોદી ભવ્ય જાહેર સભાઓને પણ સંબોધિત કરવાના છે.વડાપ્રધાનના આ પ્રવાસનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ સંઘપ્રદેશ દમણમાં નવનિર્મિત સિવિલ એરપોર્ટ છે. અંદાજે રૂપિયા 97 કરોડના મસમોટા ખર્ચે તૈયાર થયેલા આ અત્યાધુનિક ડોમેસ્ટિક એરપોર્ટનું પીએમ મોદીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવશે. આ નવું એરપોર્ટ કાર્યરત થવાથી દમણ, દીવ અને તેની સરહદે આવેલા ગુજરાતના વાપી, વલસાડ સહિતના મોટા ઔદ્યોગિક હબને સીધી એર કનેક્ટિવિટીનો લાભ મળશે. પ્રાથમિક વિગતો મુજબ, શરૂઆતના તબક્કામાં અહીંથી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા મહાનગરો માટે ફ્લાઈટો શરૂ કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે, જેનાથી પ્રવાસન અને સ્થાનિક વેપારને બૂસ્ટ મળશે.

દમણની સાથે વડાપ્રધાન સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને નવા કાર્યોનું ખાતમુહૂર્ત પણ સુરત ખાતેથી કરશે. પીએમ મોદીના આગમનને પગલે સુરત અને દમણ બંને શહેરોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરી દેવામાં આવી છે અને સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા પણ મોનિટરિંગ શરૂ કરાયું છે.

રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો 5 જૂનનો આ દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ જ દિવસથી ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સફળ શાસનને લઈને સમગ્ર રાજ્યમાં એક વ્યાપક જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે.