રિપોર્ટ@દેશ: મેટ્રો સ્ટેશન પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રો લખેલાં મળતાં મચ્યો ખળભળાટ

 
Khalustan
પોલીસે સ્ટેશન પર સૂત્રો લખનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે. ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે 13મીએ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રો લખેલાં મળતાં ખળભળાટ મચ્યો છે. આ સૂત્રો લખનારનું નામ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રો લખેલા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે ત્યાં પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ત્યાં લખેલા દેશ વિરોધી સૂત્રોને પણ દૂર કરી દેવાયા છે. પોલીસે સ્ટેશન પર સૂત્રો લખનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી છે તેમજ સીસીટીવી ફુટેજ પર તપાસવામાં શરૂ કરી દીધા છે.'ખાલિસ્તાન ઝિંદાબાદ' સૂત્રકાંડમાં અમેરિકાના બેઠેલા કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરુપવંત સિંહ પન્નૂનું નામ સામે આવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, દિલ્હી મેટ્રો સ્ટેશન પર આ સૂત્રો મારા ઈશારે લખાયા છે.

હાલ દિલ્હી પોલીસ અને મેટ્રો પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ માર્ચ મહિનામાં દિલ્હીના પંજાબી બાગ મેટ્રો સ્ટેશન પર એક થાંભલા પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખાયા હતા. જ્યારે આ પહેલા 26 જાન્યુઆરીના થોડા દિવસો પહેલા ઉત્તર નગર વિસ્તારમાં એક સરકારી સ્કૂલની દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં વાતો લખાઇ હતી.