રીપોર્ટ@ફતેપુરા: મંડળીના ચેરમેનને બચાવવા નેતાઓની ફોજ કેમ ઉતરી, અરજદાર ઉપર મોટું દબાણ

 
ફતેહપુરા
ફતેપુરાની આ સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેન રાજકીય રીતે કદાવર છે એટલે મોટી પહોંચ ધરાવે છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


ફતેપુરા તાલુકામાં આવેલી મોટા કદની સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેનના ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતાં અરજદાર ઉપર મોટું દબાણ થતું હોવાનું સામે આવ્યું છે. પ્રથમ રંગેહાથ પકડાવા ગયા તો નિષ્પક્ષ ગયા, પછી અરજી સાથે પુરાવા આપ્યા, આ પછી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી. હવે ફરિયાદી જણાવે છે કે, છેલ્લા 2 દિવસથી ધારાસભ્યથી પણ મોટાં કદના નેતાઓના ફોન આવી રહ્યા છે. ચેરમેન પાર્ટીના કાર્યકર હોવાથી અને મંડળી કરોડોનો વહીવટ કરતી હોવાથી બચાવવા ફોજ કેમ ઉતરી તે સૌથી મોટો સવાલ છે. કેમ ફતેપુરામાં રમાઇ રહી છે મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેનને બચાવવાની રમત તે જાણીએ

દાહોદ જિલ્લાના ફતેપુરામાં આવેલી ધી ફતેપુરા મોટાં કદની ખેતીવિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેને સ્થાનિક વ્યક્તિને દુકાન ભાડે આપવા સામે ચા પાણી નામે લીધેલા સરેરાશ 2 લાખ વિરૂદ્ધ જનાક્રોશ વધતો જાય છે. છટકુ નિષ્ફળ ગયું છતાં પુરાવા સાથે અરજદારે દાહોદ સ્થિત પીઆઈને ફરિયાદ આપી છે ત્યારે તપાસ ચાલતી હશે. જોકે તેમાં કોઇ કાર્યવાહી નહિ જણાતાં અરજદારે ધારજી પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દેતાં દોડધામ મચી ગઇ છે. અરજદાર કલ્પેશભાઈ અને ધારજીભાઈએ જણાવ્યું કે, ડેલિકેટથી માંડી ધારાસભ્ય અને સાંસદ સુધીના ફોન આવી રહ્યા છે. મારી અરજી સામે કાયદેસરની તપાસમાં મદદ કરવાને બદલે મંડળીના ચેરમેન અશ્વિન પારગી અને વાઇસ ચેરમેન કાના મહિડાને બચાવવા ફોજ મથી રહી છે. જો મારી રજૂઆત ખોટી હોય તો તમામ પુરાવા આપેલા છે ત્યારે તપાસમાં સાબિત કરી શકાય.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ફતેપુરાની આ સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેન રાજકીય રીતે કદાવર છે એટલે મોટી પહોંચ ધરાવે છે. અરજદારે એસીબી અને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, મંડળીના સત્તાધીશોએ જે કંઈ રકમ લીધી તેના પુરાવા છે ત્યારે કાયદેસરની તપાસ અગત્યની બને છે. આ તરફ અન્ય રાજકીય આગેવાનો જણાવે છે, તપાસ સાચી થવી જોઈએ અને જો આક્ષેપ ખોટાં હોય તો અરજદાર સામે કાર્યવાહી થઈ શકે.