રીપોર્ટ@ગુજરાત: રાજ્યના 13 જળાશયો 100 ટકા ભરાયા, 18 જળાશયો હાઈએલર્ટ પર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના 13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24 ટકા હતું. બીજી તરફ અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
ગુજરાતના જે જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બોગાડ, બોટાદના ગોમા-ભીમાદ, દાહોદના કાલી-2, જામનગરના વાગોડિયા, કચ્છના કાલાઘોઘા, સુરેન્દ્રનગરના વાંસલ-લીમ ભોગાવો 1-સુબરી, તાપીના દોસવાડાનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે 31 જળાશયો 70 ટકાથી 100 ટકા, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા, 59 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 68 જળાશયોમાં 25 ટકાથી ઓછું છે.
સૌરાષ્ટ્રમાંથી 10, મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત-કચ્છમાંથી 1-1 જળાશય સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 16,4650 મિલિયન ક્યુબિક છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 49.28 ટકા જેટલી છે. અમદાવાદમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ 24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ છે. વર્ષ 2024માં 28 જૂન સુધી અમદાવાદ જિલ્લામાં સરેરાશ 4.74 ટકા વરસાદ પડ્યો હતો.અમદાવાદ જિલ્લામાંથી હાલ અમદાવાદ શહેરમાં સરેરાશ 8 ઈંચ સાથે 27 ટકા વરસાદ નોંધાયો છે.