રિપોર્ટ@ગુજરાત: હરણી બોટ કાંડના 20માંથી 14 આરોપી જામીન પર મુક્ત, મૃતકોના પરિજનોમાં આક્રોશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હરણી લેકઝોનમાં બોટ દુર્ઘટનામાં 14 જણના મોત માટે જવાબદાર કોટિયા પ્રોજેક્ટના વધુ ૧૦ ભાગીદારોને આજે વડોદરા કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અગાઉ બુધવારે ચાર મહિલા ભાગીદારોને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ કેસમાં કુલ 20 આરોપીઓની ધરપકડ કરાઇ હતી જેમાંથી 14 આરોપીઓ હવે જેલ બહાર છે. વડોદરામાં ગત 18મી જાન્યુઆરીએ સર્જાયેલી હરણી બોટ દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થી અને ૨ શિક્ષિકાઓ મળીને 14ના મોત થયા હતા.
હરણી તળવામાં બોટ ચલાવવા ઉપરાંત મનોરંજનના સાધનો માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપેલો છે. લાયકાત વગરનો બોટ ચાલક અને અપુરતા લાઇફ જેકેટના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. બોટમાં પણ ખામી હોવાનું તપાસ દરમિયાન સાબીત થયુ હતું. 12 માસુમો અને 2 શિક્ષિકાઓની જળસમાધીની અત્યંત કરૃણ દુર્ઘટના છતાં કોર્પોરેશનના એક પણ અધિકારીઓ સામે હજુ સુધી કાર્યવાહી થઇ નથી બીજી તરફ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો, બોટ ચાલક અને મેનેજર સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
આ આખા કેસમાં પોલીસ સહિત સમગ્ર સરકારી તંત્ર જાણે આરોપીઓના બચાવવમાં ઉતર્યુ હોય તેવો માહોલ હવે જોવા મળી રહ્યો છે. પહેલેથી જ તપાસમાં ઢીલ જોવા મળી રહી છે. કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં ક્યાં આરોપીની શું ભૂમિકા હતી અને જે તે આરોપી સામે આરોપ ઘડવામાં પોલીસ નિષ્ફળ થઇ છે જેના કારણે આરોપીઓ હવે જેલ બહાર આવી રહ્યા છે. તા.7મી મે મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પુર્ણ થતાં જ બુધવારે આ કેસમાં ચાર મહિલા આરોપીઓ નુતન શાહ, વૈશાખી શાહ, તેજલ દોશી અને નેહા દોશી હાઇકોર્ટમાંથી જામીન મેળવીને જેલમુક્ત થયા છે.
તેના બે દિવસ બાદ શુક્રવારે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય ભાગીદાર બિનિત હિતેશ કોટિયા ઉપરાંત અન્ય ભાગીદારો ધર્મિન ગિરિશભાઇ શાહ, ગોપાલ પ્રાણલાલ શાહ જતીન હરીલાલ દોશી, વેદપ્રકાશ રામપ્રકાશ યાદવ, દિપેન હેતેન્દ્રભાઇ શાહ, રશ્મીકાંત ચિમનલાલ પ્રજાપતિ, અલ્પેશ ભટ્ટ, ભીમસિંગ યાદવ અને ધર્મિલ બથાણી મળીને ૧૦ આરોપીઓના જામીન વડોદરા કોર્ટે મંજૂર રાખ્યા છે. જ્યારે નિલેશ જૈનના જામીન નામંજૂર થયા છે. આમ ત્રણ દિવસમાં જ હરણી બોટ દુર્ઘટના ૧૪ આરોપીઓ જેલમાંથી બહાર આવી જતાં 14 મૃતકોના પરિવારજનોમાં આજે ભારે રોષ જોવા મળી રહ્યો હતો.