રિપોર્ટ@ગુજરાત: બોર્ડનું ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર, ક્યાં સૌથી વધું અને ક્યાં સૌથી ઓછું?

 
પાઈનામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આ અઠવાડિયામાં ગુરુવારે ધોરણ 12ના વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહનું એક સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ આજે ધોરણ 10નું પરિણામ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. સવારથી બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અનેપરિણામની વિગતો પણ રજૂ કરવામાં આવી છે. પાછલા વર્ષે ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું હતું જ્યારે ચાલુ વર્ષે આ પરિણામ 82.56 ટકા રહ્યું છે.એટલે કે પાછલા વર્ષ કરતા પરિણામ 17.94 ટકા ઊંચું આવ્યું છે.

આ વર્ષે પરિણામમાં ઘણાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે જે અંગેની વિગતવાર માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. ગયા વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, વર્ષ 2023માં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 734898 હતી જે ચાલુ વર્ષે 699598 થઈ છે. મહત્વનું છે વર્ષ 2023માં SSC બોર્ડનું પરિણામ 64.62% રહ્યું હતું જ્યારે 82.56% આવ્યું છે. પાછલા વર્ષે ધોરણ 10માં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત હતો, જ્યારે ચાલુ વર્ષે ગાંધીનગર સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.

ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ વર્ષ 2024માં પોરબંદરનું 74.57% આવ્યું છે, વર્ષ 2023માં સૌથી નીચું પરિણામ ધરાવતા જિલ્લામાં દાહોદ હતું, અને સૌથી ઊંચું પરિણામ ધરાવતા જિલ્લામાં સુરતનો સમાવેશ થતો હતો. આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ C-1 ગ્રેડમાં પાસ થયા છે, જ્યારે A-1 ગ્રેડમાં 23247, A-2 ગ્રેડમાં 78893, B-1 ગ્રેડમાં 118710 અને B-2 ગ્રેડમાં 143894 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. રાજ્યમાં માધ્યમ પ્રમાણે પરિણામ પર નજર કરીએ તો સૌથી ઊંચું અંગ્રેજી માધ્યમનું 92.52 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું 81.17 ટકા પરિણામ આવ્યું છે.