રીપોર્ટ@ગુજરાત: કડીમાં આઠ અને વિસાવદરમાં 16 ઉમેદવારો વચ્ચે જંગ જામશે

 
ચૂંટણી
17 સુધી પ્રચાર અને 19ના રોજ મતદાન થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. બંને બેઠકો પર આગામી 19મી જૂનના રોજ મતદાન થવાનું છે.બંને બેઠકો પર કુલ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી બંને બેઠકો પર કૂલ 24 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. કડીમાં આઠ અને વિસાવદરમાં 16 ઉમેદવારો ચૂંટણી લડશે.કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 18 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી 10 દાવેદારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેથી હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત આઠ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

બીજી તરફ વિસાવદરની પેટા ચૂંટણીમાં જબરદસ્ત નિવેદનબાજી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. આ બેઠક પર કૂલ 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં હતાં. જેમાંથી ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે કૂલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. ભાજપે બંને બેઠકો બહુમતીથી જીતવા માટે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. પક્ષના 40 સ્ટાર પ્રચારકો બંને બેઠકો પર ધુંવાધાર પ્રચાર કરશે. બીજી તરફ વિસાવદરમાં ચૂંટણીનો માહોલ ગજબનો ગરમાયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ભારે નિવેદનબાજી થઈ રહી છે. ભાજપ દ્વારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બંને બેઠકોના ગામડાઓમાં ખાટલા બેઠકો શરૂ કરાઈ છે.