રિપોર્ટ@ગુજરાત: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે AAPનો અનોખો વિરોધ, મેલોડી’ ચોકલેટ વહેંચીને સરકાર પર કર્યા પ્રહાર

 
વિરોધ
પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોને લઈને આજે જામનગરમા AAP દ્વારા મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે એક અત્યંત અનોખો દેખાવો કર્યો હતો. જેમાં ‘આપ’ના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે સામાન્ય જનતા અને કર્મચારીઓને ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઇંધણના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્ર આપ્યા બાદ કાર્યકરોએ કચેરી પરિસરમાં પ્રતિકાત્મક રીતે 'મેલોડી' ચોકલેટનું વિતરણ શરૂ કર્યું હતું. ટીવી એડવર્ટાઈઝમેન્ટના ડાયલોગ "મેલોડી ઇતની ચોકલેટી ક્યૂં હૈ?"નો ઉપયોગ કરીને કાર્યકરોએ સરકાર સામે કટાક્ષ કર્યો હતો કે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે અને શાસકો પોતાની ધૂનમાં મસ્ત છે.

આપના કાર્યકરોમાં રાજકીય કટાક્ષ કરતી એક ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની હતી. કાર્યકરો કહી રહ્યા હતા કે, 'આ આખો સીન બંગાળ શરૂ થયો હતો, જે જાલમુડી બાદ ઇટાલી સુધી પહોંચ્યો અને હવે એ જ મેલોડી ચોકલેટ વાયા થઈને આખરે જામનગર સુધી પણ પહોંચી ગઈ છે.' ધરણાં અને ચોકલેટ વિતરણના કારણે કલેક્ટર કચેરી ખાતે અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મંજૂરી વિના દેખાવો કરી રહેલા જિલ્લા પ્રમુખ સહિત ‘આપ’ના તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરિસ્થિતિ શાંત પડતાં થોડીવાર બાદ તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.