રીપોર્ટ@ગુજરાત: અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ, મુસાફરો અટવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે (17મી જૂન) અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરી છે. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક-ઓફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતાં.એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 મંગળવારે બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી. પરંતુ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા તેને રદ કરવી પડી હતી.
આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ફ્લાઈટમાં મુસાફરી કરતાં લોકોમાં ભયનો માહોલ છે ત્યારે એર ઈન્ડિયાના વિમાનોમાં એક બાદ એક ખામી સર્જાવવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. એવામાં મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટ AI2493 રદ કરવી પડી હતી. ફ્લાઇટ રનવે પર પહોંચી તે બાદ રનવે પર જ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. વિમાનમાં સવાર મુસાફરોનો દાવો છે કે પાઇલોટે કહ્યું હતું કે, જો ટેકઓફ થાય તો તેમની જવાબદારી નહીં રહે. એવામાં મુસાફરોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો અને વિમાનમાંથી ઉતરી ગયા હતા.