રિપોર્ટ@ગુજરાત: ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, બે દિગ્ગજ નેતાઓએ આપ્યું રાજીનામું
2022માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લોકસભા ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ, BJP અને આપ ચૂંટણીને લઇને તૈયારી કરે છે. તે સમયે નેતા તેમજ કાર્યકર્તાઓનો પક્ષપલટાનો દોર ચાલુ થયો છે. તે સમયે લોકસભા ચૂંટણી અગાઉ AAPમાં ભડકો જોવા મળ્યો છે. આપના દિગ્ગજ નેતા એવા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપતા પાર્ટીમાં હડકંપ મચી ગયો છે.
સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ધાર્મિક-અલ્પેશે ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલ્યું છે. તેઓ બંને વિધાનસભા હાર્યા હતા. વર્ષ 2022માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાવનગરના ગારીયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને બંનેને ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો.
ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી. આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી દીધું .