રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં બર્ડ ફ્લૂનું હાઈ એલર્ટ જાહેર, પશુપાલન વિભાગની નાગરિકોને ખાસ અપીલ
યુદ્ધના ધોરણે સરવે અને ચેકિંગની કામગીરી શરૂ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂ વાયરસે કહેર મચાવતા ગુજરાત સરકાર પણ ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રમાંથી આ જીવલેણ વાયરસ ગુજરાતમાં પ્રવેશે નહીં તે માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સત્તાવાર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ તમામ જિલ્લાઓમાં આવેલા પોલ્ટ્રી ફાર્મ્સમાં યુદ્ધના ધોરણે સરવે અને ચેકિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે.મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થયા બાદ સંક્રમણ અટકાવવા માટે ત્યાંના સરહદી વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રી ફાર્મ્સમાં લાખો મરઘાંઓને મારી નાખવામાં આવ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આગોતરી તૈયારીઓ શરૂ કરાઈ છે, જેમાં દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો સતત પોલ્ટ્રી ફાર્મ અને પક્ષીઓના આશ્રયસ્થાનોની મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી બોર્ડર પારથી કોઈ સંક્રમિત પક્ષીઓ રાજ્યમાં પ્રવેશી ન શકે.
બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને ટાળવા માટે પશુપાલન વિભાગે સામાન્ય નાગરિકો માટે પણ કેટલીક એડવાઇઝરી અને સાવચેતીનાં પગલાં જાહેર કર્યા છે. જે અંતર્ગત ચિકન અને ઈંડા ખાનારાઓ માટે સૂચન છે કે જે લોકો રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરે છે. તેઓએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવધાની રાખવી અને માંસ કે ઈંડાને પૂરેપૂરા તથા ઊંચા તાપમાને રાંધીને જ ખાવા હિતાવહ છે. આ ઉપરાંત, પક્ષીઓના મોત અંગે લોકોને જાગૃત કરતા જણાવાયું છે કે જો કોઈ પણ વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં કાગડા, કબૂતર, મરઘાં કે અન્ય કોઈ પક્ષીઓના શંકાસ્પદ મોત થતા જોવા મળે, તો તેમને અડક્યા વિના તુરંત જ નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો.

