રીપોર્ટ@ગુજરાત: આજથી રાજ્યમાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ, પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે જનગણના

 
વસ્તિગણતરી
ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓમાં ડેટા એન્ટ્રી થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી રાજયભરમાં વસ્તી ગણતરી-2027નો પ્રારંભ થયો છે, જે આઝાદી પછીની 8 મી અને દેશની 16 મી જનગણના છે. આ વર્ષની વસ્તી ગણતરીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં વહીવટી તંત્ર દ્વારા આજથી વસ્તી ગણતરી-2027ના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. 1 જૂન થી 30 જૂન, 2026 સુધી ચાલનારા આ તબક્કામાં સમગ્ર રાજ્યમાં ઘર-યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે.

અત્યાર સુધીમાં અંદાજે 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી ઝુંબેશમાં સહભાગી થઈને ડિજિટલ માધ્યમનો સફળ ઉપયોગ કર્યો છે.આ પ્રથમ વખત છે કે દેશમાં વસ્તી ગણતરી પેપરલેસ અને ડિજિટલ માધ્યમથી થઈ રહી છે. ગુજરાતમાં 1.09 લાખથી વધુ ગણતરીદારો અને 18 હજારથી વધુ સુપરવાઇઝરો તૈનાત

ગુજરાત રાજ્યભરમાં 1.09 લાખથી વધુ ગણતરીદારો અને 18 હજારથી વધુ સુપરવાઇઝરો આ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ તબક્કામાં આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે.

ડેટા એન્ટ્રી માટે ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓનો ઉપયોગ કરવામાં આવશે.વસ્તી ગણતરીનો બીજો તબક્કો 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે, જેમાં જાતિ આધારિત ગણતરી હાથ કરવામાં આવશે. નાગરિકોની પૂછપરછ અને સહાય માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે. એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. ખોટી માહિતી આપવી કે ગણતરીમાં અવરોધ ઊભો કરવો તે દંડને પાત્ર ગુનો છે.