રીપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામની મુલાકાત લીધી, પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું

 
ભુપેન્દ્ર પટેલ
સુઈગામના 709થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠાના સુઈગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળપ્રલયની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામની મુલાકાત લીધી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. સતત વરસાદને કારણે સુઈગામના 700થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.અને ક્યાંક ક્યાંક તો 7 ફૂટથી પણ વધુ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને ભારે નુકસાન થયું છે. જેના કારણે લોકોને મોટી આર્થિક નુકસાની વેઠવી પડી છે.

વરસાદી પાણીના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેમાં સુઈગામથી વાવ અને સુઈગામથી ભાભર જેવા મુખ્ય માર્ગો પણ સામેલ છે. પરિણામે, વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી.આ કુદરતી આફતમાં ખેડૂતો અને પશુપાલકોને પણ મોટું નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઊભા પાક ધોવાઈ ગયા છે અને ઘણા પશુઓના પણ મોત થયા હોવાના અહેવાલો છે, જે પશુપાલકો માટે આર્થિક આફત સમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સી.એચ.સી. (CHC) સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં પૂરને કારણે અસરગ્રસ્ત થયેલા ૧૨૫ પરિવારોને આશ્રય આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરીને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. જે પરિવારો પૂરના પાણીમાં ફસાયા છે, તેમને બચાવવા માટે એન.ડી.આર.એફ. (NDRF) અને એસ.ડી.આર.એફ. (SDRF) ની ટીમો તૈનાત કરવામાં આવી છે. સી.એચ.સી. સેન્ટર જેવા સ્થળોએ અસરગ્રસ્ત પરિવારોને રહેવાની, ખાવા-પીવાની અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ તંત્રને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવા માટે સૂચનાઓ આપી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થાનિક લોકો પણ એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે, જે એક સકારાત્મક સંકેત છે.