રીપોર્ટ@ગુજરાત: ભારતીય યુથ કોંગ્રેસે 56 નેતાઓને ફટકારી નોટીસ, જાણો કારણ

 
કોંગ્રેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાના 56 જેટલા યુથ કોંગ્રેસના નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સંગઠનની મહત્વની બેઠકમાં ગેરહાજર રહેવા બદલ આ કડક પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી મનીષ શર્મા દ્વારા આ તમામ નેતાઓને લેખિતમાં જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, સંગઠન દ્વારા આયોજિત મહત્વની બેઠકમાં હાજરી ન આપવા પાછળનું યોગ્ય કારણ 48 કલાકમાં રજૂ કરવું. જો નિર્ધારિત સમય મર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે, તો તેમના પર શિસ્તભંગના પગલાં લઈ તેમને પદ પરથી દૂર કરવામાં આવશે.આ નોટિસ મેળવનાર નેતાઓમાં અમદાવાદ શહેરના યુથ કોંગ્રેસ નેતા ઇમરાન સંઘી, હિતેશ સોલંકી, રવિ બ્રહ્મભટ્ટ અને અમરદીપસિંહ જાડેજા સહિતના અનેક આગેવાનોનો સમાવેશ થાય છે. એકસાથે ૫૬ નેતાઓને નોટિસ ફટકારાતા ગુજરાતના યુથ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાક્રમ બાદ હવે આગામી 48કલાકમાં આ નેતાઓ શું જવાબ આપે છે અને પક્ષ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું રસપ્રદ રહેશે.