રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ચૂંટણી પહેલાં રૂપિયા 7.37 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો

 
Daru
પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે.16 માર્ચથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

રાજ્યના સમગ્ર વિસ્તારમાં મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થતા 48 કલાકનો સમય અને મતગણતરીનો દિવસ એટલે કે તા.04/06/2024ના દિવસે 'ડ્રાય ડે' જાહેર કરવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા નશાબંધી અને આબકારી નિયામકને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.1.16 કરોડ રોકડ, રૂ. 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, રૂ.14 લાખની કિંમતનું 52.26 કિલો ચરસ અને ગાંજો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.22.50 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 23 ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી 08, રાજકીય પક્ષો લગત 01 તથા અન્ય ચૂંટણી પંચ સંબંધી 07 મળી કુલ 109 ફરિયાદો મળી છે.