રિપોર્ટ@ગુજરાત: આદિવાસીઓના ધર્મપરિવર્તન પર ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન, જાણો વિગતે

આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આદિવાસી સમાજના લોકોમાં ધર્માંતરણની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાત કરી હતી. હાલમાં સોનગઢમાં મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કથાનો લાહવો લેવા માટે હર્ષ સંઘવી પહોંચ્યા હતા. ત્યારે કથા સાંભળવા પહોંચેલા આદિવાસી સમાજના લોકોને ગૃહમંત્રીએ સંબોધ્યા હતા. જે દરમિયાન તેઓએ આદિવાસી ભાઈઓ બહેનોને ટકોર કરી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે. તેઓને ફોસલાવી ખોટા રસ્તે લઈ જનાર પર ગુજરાત સરકાર ગંભીરતાથી પગલાં લેશે. ત્યારે આદિવાસી વિસ્તાર સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ વિશે જોડાયેલો વિસ્તાર છે. વર્ષમાં એક વખત બાપુ આ વિસ્તારમાં કથા અચૂક કરે છે.વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભોળા ભાળા આદિવાસી ભાઈ-બહેનોને ધર્મ પરિવર્તન બાબતે કોઈ પણ પ્રકારે ખોટી રીતે ફસાવવામાં આવશે તો એવા લોકોને કાયદાની બારીમાંથી બચાવવાની બારી બચશે નહીં. ફોસલાવીને ધર્મપરિવર્તન કરાવનાર સામે કડક પગલાં લેવામાં આવશે.