રિપોર્ટ@ગુજરાત: 18 એપ્રિલે ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં ગૃહમંત્રી અમિત શાહ કરશે ભવ્ય રોડ-શો

 
અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહનો રોડ-શો સાણંદથી શરૂ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પર 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે તેઓ ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં ભવ્ય રોડ-શો કરશે. ગાંધીનગર લોકસભાની સાણંદ, વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને ક્લોલ વિધાનસભામાં રોડ-શો કરી પ્રચાર કરશે. અમિત શાહનો રોડ-શો સાણંદથી શરૂ થશે. ત્યાંથી વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા અને પછી સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોલના વિસ્તારોને આવરી લેશે.

દરેક વિધાનસભા વિસ્તારમાં 4-4 કિમીનો રોડ શો યોજાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સવારે અને પછી એમ બે તબક્કામાં દરેક વિસ્તારમાં 4-4 કિમીના રોડ-શોની તૈયારી કરવામાં આવી રહી છે. અમિત શાહ 17 એપ્રિલે સાંજે અમદાવાદ આવશે.18 એપ્રિલે તેમના મતવિસ્તારની 7 વિધાનસભામાં રોડ-શો કરશે અને 19 એપ્રિલે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જશે ત્યારે રાષ્ટ્રીય આગેવાનો પણ તેમની સાથે જોડાશે. 19 એપ્રિલે તેઓ એક જાહેરસભાને પણ સંબોધી શકે છે, જો કે હજી સુધી આ અંગે આખરી નિર્ણય લેવાયો નથી.