રિપોર્ટ@ગુજરાત: વિપક્ષે ભાવનગર લઠ્ઠાકાંડને ગણાવ્યો 'માનવસર્જિત હત્યાકાંડ', જાણો વધું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં 6 નિર્દોષ નાગરિકોના મોતે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે.લઠ્ઠાકાંડે સાબિત કરી દીધું છે કે, દારૂબંધીનો અમલ કરાવવામાં પોલીસ તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. બૂટલેગરોને કાયદાનો ડર રહ્યો જ નથી. ગુજરાતમાં આજે પણ દારૂ-ડ્રગ્સનો વેપલો બેરોકટોક રીતે ધમધમી રહ્યો છે. હવે જ્યારે લઠ્ઠાકાંડે પાંચનો ભોગ લીધો છે, ત્યારે પોલીસ દરોડા પાડીને નાટક કરશે. બૂટલેગરોને પકડી દેખાડો કરશે. પણ ફરી દારૂના અડ્ડા ધમધમતાં થઈ જશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ છે કે, ગાંધીનગર સુધી પહોંચતા હપ્તાખોરીના કારણે જ ગુજરાતમાંથી દારૂનું દૂષણ દૂર થતું નથી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની સીધી જવાબદારી હોવા છતાં બૂટલેગરો બેખોફ બનીને દારૂ-ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતની સરહદો પર જાણે રામ ભરોસે છે જ્યાં કોઈ સુરક્ષા ચેકિંગ જ ન હોય તેમ, પાડોશી રાજ્યોમાંથી કન્ટેનરો અને ટેન્કરો ભરીને કરોડો લીટર દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે. પોલીસ તંત્ર અને શાસકોની મિલીભગત તેમજ 'હપ્તારાજ'ના કારણે રોજ કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યો છે.રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં તાજેતરમાં નકલી દારૂ બનાવવાની આખેઆખી ફેક્ટરીઓ ઝડપાઈ છે, જે પોલીસની નાક નીચે ચાલી રહી હતી. આ આખી વ્યવસ્થા માટે આખરે જવાબદાર કોણ છે તે સવાલ ઊભો થયો છે.

