રિપોર્ટ@ગુજરાત: શાળાઓને મળેલી બોમ્બની ધમકીમાં પાકિસ્તાની કનેક્શન! પોલીસનો ખુલાસો

 
બૉમ્બ
તેની પાછળનો હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની શાળાઓને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલના કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત પોલીસે આ મામલે મોટો ખુલાસો કરીને માહિતી આપી છે કે ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનના ફૈસલાબાદથી મોકલવામાં આવ્યા હતા. સૂત્રોએ દાવો કર્યો છે કે મોકલવામાં આવેલ ઈમેલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલો છે ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કંઈ મળ્યું નહોતું, તે પાછળનો હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો.

દિલ્હી-એનસીઆર અને પછી અમદાવાદમાં અલગ-અલગ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જાણકારી અનુસાર, ઈમેલ મળ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસની ટીમ બોમ્બ સ્કવોડ સાથે સ્કૂલમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જે સ્કૂલોને બોમ્બની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેમાં બોપલ સ્થિત ડીપીએસ, આનંદ નિકેતન સહિત 7 જેટલી સ્કૂલોનો સમાવેશ થાય છે. અમદાવાદની શાળાઓને મોકલવામાં આવેલા ઈમેલ દિલ્હીની જેમ જ હતા. 

દિલ્હી-એનસીઆરની 200 થી વધુ શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો હતો. પછી ધમકી મોકલવા માટે રશિયન મેઇલિંગ સેવા Mail.ru નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે ઇ-મેલનો ચોક્કસ સ્ત્રોત શોધવા માટે ઇન્ટરપોલ દ્વારા રશિયન મેઇલિંગ સર્વિસ કંપની Mail.ruનો સંપર્ક કર્યો. પોલીસે સીબીઆઈને પત્ર લખીને ઈન્ટરપોલ ચેનલો દ્વારા ધમકીભર્યા ઈ-મેઈલની માહિતી માંગી હતી.