રીપોર્ટ@ગુજરાત: રાહુલ ગાંધી આજે વડોદરા પહોંચ્યા, સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સંસદમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આજે રાહુલ ગાંધી વડોદરાના જીતોડિયા ગામમાં સહકારી દૂધ ઉત્પાદકો અને સહકારી સમુદાયના નેતાઓ સાથે બેઠક યોજશે. આ મુલાકાતમાં દૂધ ઉત્પાદકોની સમસ્યાઓ, સ્થાનિક સહકારી સમિતિઓની સ્થિતિ અને ખેડૂતોના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ નેતૃત્વનું માનવું છે કે સહકારી મોડેલ ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને તેને મજબૂત કરવું એ પાર્ટીની પ્રાથમિકતા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે (26 જુલાઈ) ના રોજ ગુજરાતના આણંદ શહેરમાં પાર્ટીના નવા જિલ્લા પ્રમુખોને સંબોધિત કરશે અને સહકારી દૂધ સમિતિઓ સાથે જોડાયેલા ખેડૂતો અને નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. આ પ્રવાસ ખાસ કરીને એવા મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે, જે વર્તમાનમાં ગુજરાતની સહકારી વ્યવસ્થા અને દૂધ ઉદ્યોગને પ્રભાવિત કરી રહ્યા છે.ગુજરાત કોંગ્રેસે તાજેતરમાં જ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે.આ નવા પ્રમુખો માટે 26 થી 28 જુલાઈ સુધી આણંદના એક રિસોર્ટમાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધી 26 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. આ સત્રનો ઉદ્દેશ આગામી 2027ની ચૂંટણીઓ માટે રણનીતિ તૈયાર કરવી અને સંગઠનને જમીની સ્તરે મજબૂત બનાવવાનો છે.શિબિરના ઉદ્ઘાટન બાદ રાહુલ ગાંધી સાંજે લગભગ 3 વાગ્યે ગુજરાતની વિવિધ દૂધ સહકારી સમિતિઓ સાથે જોડાયેલા ખેડૂતો અને નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન પશુપાલકોએ દૂધના વધારાના ભાવ ફેર લઇને કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે ચર્ચા કરવામાં આવશે.