રીપોર્ટ@ગુજરાત: આજથી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ, સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું, જે 25 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ફ્લાવર શૉ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે.
આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન 'ભારત એક ગાથા' થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની ઝલક જોવા મળશે. પ્રદર્શનમાં 167થી વધુ અદ્ભુત સ્કલ્પચર્સ અને 48થી વધુ પ્રજાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ફ્લાવર શૉને કુલ 6 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પ્રથમ ઝોનમાં ભારતના તહેવારોની પ્રતિકૃતિઓ છે, જેમાં યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત દિવાળીના પર્વનું વિશેષ આકર્ષણ છે. બીજા ઝોનમાં ભારતીય નૃત્યો અને ત્રીજા ઝોનમાં પૌરાણિક ભારતની થીમ પ્રદર્શિત કરાઈ છે. ચોથો ઝોન ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ માટેના વિશેષ પ્રયાસો માટે ફાળવવામાં આવ્યો છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે તેમનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ અને ફૂલોથી બનેલું વિશાળ મંડાલ આર્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.
પાંચમા ઝોનમાં ભારતે અવકાશ અને અન્ય ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓનું પ્રદર્શન છે, જ્યારે છઠ્ઠો ઝોન ખાસ કરીને બાળકોના મનોરંજન માટે તૈયાર કરવામાં આવ્યો છે.રબા અને મિશન 4 મિલિયન ટ્રી જેવા સામાજિક અભિયાનોની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે.મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે 'પ્રાઇમ સ્લોટ'ની પણ વ્યવસ્થા છે. આ આખા આયોજન પાછળ અંદાજે 14થી 15 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

