રીપોર્ટ@લીમખેડા: મનરેગાની અરજીમાં ટીડીઓનુ મનસ્વી અર્થઘટન, 200 પેજને ગણ્યા જથ્થાબંધ

 
લીમખેડા
મનરેગાનો ભ્રષ્ટાચાર થયાની અરજી આપી તેને સરેરાશ 2 મહિના થવા આવ્યા છતાં તપાસ નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


લીમખેડા તાલુકા પંચાયતમાં મનરેગા ભ્રષ્ટાચારની તપાસ માટે અરજીઓ ઉપર કામ થાય છે ? કાયદો અને નિયમો ભલે 15 દિવસમાં નિકાલ કરવાનું કહે પરંતુ અહીંયા મનસ્વી અર્થઘટન અને મનસ્વી વિલંબ થાય છે. સ્થાનિકે પાંચ જેટલા ગામોમાં મનરેગાના કામોની તપાસ માટે અરજી આપી અને સાથે આરટીઆઇ પણ આપી હતી. તો સામે ટીડીઓએ કહ્યું કે, 200 જેટલા થોકબંધ કાગળો હોઈ રૂબરૂ આવો. હવે આરટીઆઇ અધિનિયમ મુજબ 200 પેજ જથ્થાબંધ છે? 500 પેજ ઉપર છતાં અનેક કચેરીએથી માહિતીના કાગળો ઉપલબ્ધ થયેલ પરંતુ લીમખેડા ટીડીઓનો વહીવટ કંઈક અલગ છે, તો જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા પંચાયતના મનરેગા વહીવટ સામે અનેક ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. સ્ટોનબંધ વારંવાર કરવા અને ગામેગામ સ્ટોનબંડ જ કરવા મામલે કોઈ તપાસ નથી પરંતુ જો કોઈ લેખિત અરજી આપે તો પણ કોઈ ફર્ક નથી. એક સ્થાનિક અરજદારે લીમખેડા તાલુકાના પાંચ ગામમાં મનરેગાનો ભ્રષ્ટાચાર થયાની અરજી આપી તેને સરેરાશ 2 મહિના થવા આવ્યા છતાં તપાસ નથી. આથી સ્થાનિક અરજદારે આરટીઆઇ કરી કાગળો માંગ્યા તો નવાઈ લાગે તેવું અને ઈરાદાપૂર્વકનો જવાબ આપ્યો છે. ટીડીઓ જણાવે છે કે, 200 જેટલા કાગળો જથ્થાબંધ હોઈ રૂબરૂ મુલાકાત કરો. આથી અરજદારે ટેલિફોનિક કહ્યું કે, ભલે 200 પેજ હોય હું પૈસા ભરવા તૈયાર છું તો પણ ટીડીઓ મનરેગાના એપીઓને મળવા કહે છે. વાંચો નીચેના ફકરામાં વધુ

સૂત્રોએ જણાવ્યું હતું કે, લીમખેડા તાલુકાના કેટલાક ગામોમાં જો ઉંડાણપૂર્વકની અને તટસ્થ તપાસ કરવામાં આવે તો સરકારને મોટા પ્રમાણમાં નાણાંકીય રિકવરી મળે તેવી પ્રબળ શક્યતા છે. આટલુ જ નહિ, રજૂઆત મુજબના પાંચ જેટલા ગામોમાં થયેલ મનરેગાની કામગીરી બાબતના કાગળો જો અરજદારને આપવામાં આવે તો પણ કોર્ટ દ્વારા સરકારના હિતમાં મોટું કામ થઈ શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.