રીપોર્ટ@મહેસાણા: જવાહર નવોદયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસમાં રાતોરાત વાલીઓને દોડધામ કેમ થઈ?

 
Navoday
બાળકોને ત્યાં રહેવા હોટેલ બુકિંગની વ્યવસ્થા રાતોરાત કરવી પડી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના કેટલાક વિદ્યાર્થીઓનો ગત દિવસે શૈક્ષણિક પ્રવાસ થયો હતો. સાયન્સ લેબની મુલાકાત પૂર્વે ઓનલાઇન ક્વિઝ પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓને ભાવનગરની સોલ્ટ એન્ડ મરિન રિસર્ચ સંસ્થામાં જવા મંજૂરી મળી પરંતુ ત્યાં સુરક્ષિત રીતે લઈ જવા-આવવા, પરિવહન અને રસ્તામાં ખાનપાન સહિતની જવાબદારી વાલીઓને આવી હતી. કેટલાક વાલીઓને તો વિદ્યાર્થીઓ ભાવનગર પહોંચ્યા ત્યારે રહેવાની વ્યવસ્થા રાતોરાત કરવી પડી હતી. આ બાબતે પૂછતાં વડનગર નવોદય વિદ્યાલયના આચાર્ય કહે, અમારા તરફથી શૈક્ષણિક પ્રવાસ ના હતો. આ બાજું ઓનલાઇન ક્વિઝ જેમની હતી તેવા જિજ્ઞાસા, ભાવનગરના કો-ઓર્ડિનેટર કહે, અમે માત્ર પ્રવેશ આપીએ, સુરક્ષિત લાવવા મોકલવા અમારામાં ના આવે. તો અહિં સવાલ થાય કે, રેસિડેન્સિયલ એવી નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ શું વાલીઓના શિરે હતો ? જાણીએ સમગ્ર અહેવાલ.


મહેસાણા જિલ્લાના વડનગરમાં કેન્દ્રના શિક્ષણ મંત્રાલય હેઠળની જવાહર નવોદય વિદ્યાલય છે અને અહીંનું પરિણામ પણ દર વર્ષે ઉચ્ચ કક્ષાનું આવે છે. શિક્ષણ બાબતે આ જવાહર નવોદય વિદ્યાલયે અનેકવાર નામ રોશન કર્યું છે પરંતુ ગત દિવસે વિદ્યાર્થીઓ માટે થયેલો એક શૈક્ષણિક પ્રવાસ સવાલો ઉભા કરી રહ્યો છે. હકીકતમાં કેન્દ્ર સરકારના સી.એસ.આઇ.આર હેઠળ ચાલતા જિજ્ઞાસા નામના એક પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓની ઓનલાઇન ક્વિઝ લેવામાં આવી હતી. આ ક્વિઝ પાસ કરતાં વિદ્યાર્થીઓને ભાવનગરની સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ સંસ્થામાં એક દિવસીય વૈજ્ઞાનિક નામે શૈક્ષણિક પ્રવાસ થયો હતો. જેમાં ભાવનગરની આ સંસ્થાએ ફોર્મ ભરવા દરમ્યાન જ જાહેર કરેલ કે, આવવા જવા બાબતે કોઈ ખર્ચ કે વ્યવસ્થા નથી, આ તરફ જવાહર નવોદય વિદ્યાલયે પણ પોતાનો આયોજિત પ્રવાસ ના હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ સ્ટાફ સાથે લઈ જવા અને પરત લાવવા ફરજીયાત જવાબદારી ના હોવાનો રાગ આલાપ્યો છે. હવે આ બાબતની જાણ પહેલાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કરી હોવાનો દાવો નવોદયના આચાર્ય કરે છે. આ તરફ કેટલાક વાલીઓ કહે છે કે, અમોને ખબર જ નહોતી એટલે અમારા બાળકોને મોકલવાની અને ત્યાં રહેવા હોટેલ બુકિંગની વ્યવસ્થા રાતોરાત કરવી પડી. હવે આવો કેવો શૈક્ષણિક પ્રવાસ? વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વડનગર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય એ રેસિડેન્સિયલ શાળા છે અને કેન્દ્ર સરકાર હસ્તકની છે. અહિંથી વિદ્યાર્થીઓને બહાર જવા અથવા વાલીઓને મળવા બાબતે નિયમો છે. ત્યારે ભાવનગર જે શૈક્ષણિક પ્રવાસ એટલે કે એક દિવસીય વૈજ્ઞાનિક નામે મુલાકાતે જવામાં જો જવાહર નવોદય કે ભાવનગરની સંસ્થાની જવાબદારી ના હોય તો સમગ્ર પ્રવાસ બાબતે વાલીઓની જવાબદારી હતી ? જો વાલીઓની જવાબદારી હતી તો વાલીઓ કેમ પૂર્વ આયોજન ના કરી શક્યા? બસમાં એડવાન્સ બુકિંગથી માંડીને ત્યાં હોટેલમાં રહેવા સહિતની તૈયારીઓ અગાઉથી કેમ સુનિશ્ચિત ના થઈ? બીજું કે, જો ઓનલાઇન ક્વિઝનુ ફોર્મ નવોદય વિદ્યાલયમાં ભરાયું અને ત્યાં જ પરિક્ષા અને પરિણામ આવ્યું ત્યારે બહાર જતાં વિદ્યાર્થીઓ સાથે કોઈ શિક્ષક કે વોર્ડન ના જોડાય ? આ બાબતે વિગતો પૂછતાં ભાવનગરની સોલ્ટ એન્ડ મરિન રિસર્ચ સંસ્થાના કર્મચારી ડુંગર ચૌધરીએ જણાવ્યું કે, અમુક શાળામાંથી સ્ટાફ પોતે વિદ્યાર્થીઓને લઈને આવ્યા હતા.