રીપોર્ટ@નર્મદા: ચૈતર વસાવાને વધુ એક દિવસ જેલમાં રહેવું પડશે, કેસના કાગળો ન મળતાં અરજી દાખલ ન થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી આજે રાજપીપળા જિલ્લા કોર્ટમાં દાખલ થઈ શકી નથી. દેડીયાપાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસના કાગળો સમયસર કોર્ટમાં ન પહોંચી શકતાં, સાંજે 5 વાગ્યાની ઓનલાઈન સમયમર્યાદા પૂરી થતાં જામીન અરજી દાખલ થઈ શકી નથી. હવે તેમની જામીન અરજી આવતીકાલે મંગળવારે દાખલ કરવામાં આવશે.
દેડીયાપાડા કોર્ટના મેજિસ્ટ્રેટ રજા પર હોવાને કારણે ચૈતર વસાવાના કેસનું પ્રોડક્શન રાજપીપળા ખાતેની કોર્ટમાં કરવામાં આવ્યું હતું. આ કારણે, કેસના કાગળો મેળવવા માટે વસાવાના વકીલોને દેડીયાપાડા કોર્ટમાં જવું પડ્યું હતું. જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરવાની કામગીરી ઓનલાઈન હોય છે. આજે સમયસર કાગળો ન પહોંચી શકવાને કારણે ચૈતર વસાવાની જામીન અરજી દાખલ થઈ શકી નથી. આ ટેક્નિકલ ખામી અને સમયમર્યાદાના કારણે વસાવાને વધુ એક દિવસ જેલમાં રહેવું પડશે. આવતીકાલે મંગળવારે તેમની જામીન અરજી વિધિવત રીતે દાખલ કરવામાં આવશે તેવી અપેક્ષા છે.