રીપોર્ટ@દેશ: અમિત શાહે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ગૃહમંત્રી તરીકે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

 
અમિત શાહ
અમિત શાહના શાહના કાર્યકાળમાં દેશમાં અનેક નિર્ણાયક પગલાં લેવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજનો દિવસ ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ દિવસ સાબિત થયો, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ગૃહમંત્રી તરીકે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો.તેમણે 30 મે, 2019ના રોજ પદ સંભાળ્યું હતું અને ત્યારથી સતત 2,258 દિવસ સુધી આ પદે રહીને લાલકૃષ્ણ અડવાણીનો પૂર્વ રેકોર્ડ તોડી નાખ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ સંસદીય બેઠકમાં અમિત શાહના નેતૃત્વ અને સતત સેવાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે શાહના કાર્યકાળમાં દેશમાં અનેક નિર્ણાયક પગલાં લેવાયા છે, જે ભારતના ઈતિહાસમાં હંમેશ માટે નોંધાઈ જશે.અમિત શાહના કાર્યકાળ દરમિયાન સૌથી મોટા નિર્ણયો પૈકીનું એક હતું 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 રદ કરવાની જાહેરાત. આ ઐતિહાસિક પગલાએ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો હટાવ્યો અને પ્રદેશના સંકલનને નવી દિશા આપી. શાહે આંતરિક સુરક્ષા, નક્સલવાદ પર નિયંત્રણ, સરહદની સુરક્ષા તેમજ ગુપ્તચર તંત્રના સઘન ઢાંખાંમાં પણ નોંધપાત્ર સુધારાઓ લાવ્યા છે.

તેમની યોજનાઓ અને ધારદાર ભાષણો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. વિપક્ષને સ્પષ્ટ અને જવાબદાર રીતે જવાબ આપવો પણ તેમની આગવી શૈલી તરીકે ઓળખાય છે.અમિત શાહ પહેલા આ પદ પર સૌથી લાંબા સમય સુધી રહી ચૂકેલા નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણી (2,256 દિવસ) અને કૉંગ્રેસના નેતા ગોવિંદ વલ્લભ પંત (6 વર્ષ 56 દિવસ)ને પાછળ મૂકી ચૂક્યા છે.