રીપોર્ટ@દેશ: અર્નબ વાવાઝોડાંએ તારાજી સર્જી, UPમાં ભારે વરસાદથી 42 લોકોના મોત

 
Varsad
બિરસા મુંડા એરપોર્ટ પર છ ફ્લાઈટ રદ કરાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બંગાળની ખાડીમાં ઉઠેલા અર્નબ વાવાઝોડાંને કારણે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના 63 જિલ્લામાં સામાન્ય કરતાં 19 ગણો વરસાદ પડયો હતો. અનેક જિલ્લામાં વૃક્ષો, કાચી દિવાલો અને મકાનો તૂટી પડતાં 42 લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. ઝારખંડમાં વંટોળિયા વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બિરસા મુંડા એરપોર્ટ પર છ ફ્લાઈટ રદ કરાઈ હતી. ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદના કારણે ફરી એક વખત ચારધામ યાત્રા સસ્પેન્ડ કરાઈ હતી.

અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા પર ત્રાટક્યા પછી શનિવારે છેક ઉત્તર પ્રદેશ સુધી તેની અસર જોવા મળી હતી. ઉત્તર પ્રદેશમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો અને તોફાની પવન ફૂંકાયો હતો. અલગ અલગ જિલ્લાઓમાં વૃક્ષો, કાચી દિવાલો અને મકાન પડવાની ઘટનાઓમાં 42 લોકોનાં મોત નીપજ્યાં હતા. અવધ ક્ષેત્રમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે બુંદેલખંડ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં આઠ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.ઉત્તર પ્રદેશના 63 જિલ્લાઓમાં સામાન્યથી વધુ વરસાદ ખાબક્યો હતો. કેટલાક જિલ્લામાં ફ્લેશ ફ્લડનું જોખમ સર્જાયું હતું. મૂશળધાર વરસાદ, વાવાઝોડાં અને તિવ્ર પવન ફુંકાવાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન થયું હતું જ્યારે રાજ્યમાં કુલ 100 થી વધુ ઘરોને નુકસાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય કરતાં 19 ઘણો વધુ વરસાદ નોંધાયો હતો.

લખનઉમાં 21 કલાકમાં 125.8 મીમી વરસાદ ખાબક્યો હતો. ફરૂખાબાદમાં સામાન્ય કરતાં 200 ગણો, કાનપુર નગરમાં 160 ગણો અને કન્નૌજ, કાનપુર દેહાત તથા હરદોઈમાં 130 ગણો વરસાદ પડયો હતો. ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લાની સ્કૂલો બંધ રખાઈ હતી. મેરઠથી પ્રયાગરાજને જોડતા રૂ. 36500 કરોડના ખર્ચે બનાવાયેલા ગંગા એક્સપ્રેસ વે પર ઉન્નાવ નજીક સોનિક અને બશીરતગંજ વચ્ચે લગભગ અડધો કિ.મી. સુધી 3 ફૂટ જેટલા પાણી ભરાતા એક્સપ્રેસ વે સ્વિમિંગ પૂલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેથી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.ઉત્તર પ્રદેશમાં ખાબકેલા વરસાદની અસર દિલ્હી-એનસીઆર સુધી અનુભવાઈ હતી. દિલ્હી, નોઈડા અને આજુબાજુના વિસ્તારોમાં શનિવારે સવારે કાળા વાદળ છવાયા હતા. દિલ્હીમાં હવામાન બદલાતા તાપમાન સાત ડિગ્રી જેટલું ગગડી ગયું હતું. ઝારખંડમાં મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે સામાન્ય વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બિરસા મુંડા એરપોર્ટ પર પ્રતિકૂળ હવામાનના કારણે છ ફ્લાઈટ રદ કરાઈ હતી. 

પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં સુવર્ણરેખા નદીમાં પાણી જોખમી સ્તરથી 2.02 મીટર ઉપર વહેતા હતા જ્યારે ખારકાઈ નદીમાં જોખમી સ્તરથી 4.50 મીટર ઊંચા પાણી ગયા હતા. રાંચિના હતિઆ, ગેતલસુદ સહિત અનેક બંધમાં જળસ્તર વધી ગયું હતું.ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદના કારણે આ વર્ષે અનેક વખત બંધ કરાયેલી ચારધામ યાત્રા ફરી એક વખત બંધ કરાઈ હતી. હવામાન વિભાગે અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરતા સ્કૂલો બંધ રખાઈ હતી. હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લાઓ, કિન્નૌરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી જ્યારે શિમલા અને ધર્મશાળા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો.