રીપોર્ટ@દેશ: દિવાળી પહેલા જ CJPએ નવા આંદોલનની જાહેરાત કરતાં રાજકીય માહોલ ગરમાયો

 
Aandolan
કોચીના રાજેન્દ્ર મેદાન ખાતે વિરોધ પ્રદર્શન યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિવાળી પહેલા જ કોકરોચ જનતા પાર્ટીએ નવા આંદોલનની જાહેરાત કરી છે. મતદાર યાદીની વિશેષ સઘન સુધારા પ્રક્રિયા એટલે કે SIR સામે પાર્ટીએ હવે કેરળમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. દિલ્હી બાદ હવે કોચીમાં વિરોધનો અવાજ ઉઠાવવાની તૈયારી કરવામાં આવી છે.CJP દ્વારા ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી જાહેરાત મુજબ, 7 નવેમ્બરે કોચીના રાજેન્દ્ર મેદાન ખાતે સાંજે 4 વાગ્યે વિરોધ પ્રદર્શન યોજાશે.

'કોચીમાં જંતર-મંતર' નામ આપવામાં આવેલા આ કાર્યક્રમમાં SIR પ્રક્રિયા રદ કરવાની અને લોકશાહી બચાવવાની માગણી કરવામાં આવશે. આ પ્રદર્શનમાં CJPના સ્થાપક અભિજીત દીપક પોતે હાજર રહેવાના છે. તેમની સાથે સંગઠનના દક્ષિણ ક્ષેત્રના પ્રમુખ વિજય મલ્લાંગી અને રાષ્ટ્રીય સચિવ આફરીન નવાઝ પણ જોડાશે.ઉલ્લેખનીય છે કે ગયા મહિને દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને SIR પ્રક્રિયા વિરુદ્ધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરતાં CJPના કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

અભિજીત દીપક સહિત અન્ય નેતાઓ સામે પણ પોલીસ કાર્યવાહી થઈ હતી. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની પરવાનગી અને સ્થળને લઈને પણ વિવાદ ઊભો થયો હતો. આ ઉપરાંત 1 નવેમ્બરે દિલ્હીમાં INDIA ગઠબંધન દ્વારા યોજાયેલી રેલીને પણ CJPએ સમર્થન આપ્યું હતું. હવે કોચીમાં યોજાનારા આ પ્રદર્શન દ્વારા CJP ફરી એકવાર SIR મુદ્દે પોતાની માગણીઓ ઉઠાવશે. ખાસ કરીને 7 નવેમ્બરના કાર્યક્રમ પર રાજકીય વર્તુળોની નજર રહેશે.