રિપોર્ટ@નવસારી: વાંસદા અને ચીખલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાંસદા અને ચીખલી તાલુકામાં પવન અને ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે ઠેર-ઠેર તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે બંને તાલુકાઓમાં મોટા પાયે નુકસાન નોંધાયું છે. વાંસદા તાલુકામાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. ભારે પવનમાં વિશાળ વૃક્ષો તૂટીને મુખ્ય માર્ગો પર પડતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો.
વીજ પોલ તૂટી પડવાને કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી લોકોને હાલાકી વેઠવી પડી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગો પરથી ધરાશાયી થયેલા વૃક્ષો હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરવાની કામગીરી ચાલી રહી છે.ચીખલી તાલુકામાં ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદ અને પવને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.
ચીખલીમાં આવેલું સરકારી અનાજનું ગોડાઉન વાવાઝોડાનો સામનો ન કરી શક્યું. ગોડાઉનની દિવાલ ધરાશાયી થઈ હતી અને પતરાં સહિતનો શેડ ભારે પવનમાં ઉડી ગયો હતો. જેના કારણે ગોડાઉનમાં રાખેલો અનાજનો મોટો જથ્થો વરસાદના પાણીમાં પલળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક મકાનોના પતરાં ઉડી ગયા હતા. જાહેર સ્થળો પર લગાવેલા મોટા જાહેરાતના હોર્ડિંગ્સ પણ ભારે પવનમાં જમીનદોસ્ત થઈ ગયા હતા, જે સલામતી માટે જોખમી બન્યા હતા.