રિપોર્ટ@પાટણ: આરટીઈની 281 બેઠકો સામે 2516 અરજીઓ આવી, 1743 અરજીઓ મંજુર

 
શિક્ષણ શાખા

130 અરજીઓ રિજેક્ટ અને 643 અરજીઓ કેન્સલ થવા પામી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ જિલ્લામાં આરટીઈ એક્ટ 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2024- 25 માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત પાટણ જિલ્લામાં કુલ 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઈના નિયમ અંતર્ગત ભરવા પાત્ર થતી 281 બેઠકો માટે કુલ 2516 અરજીઓ આવી હતી જે પૈકી 1743 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને તેમાંથી આગામી 15 એપ્રિલના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પાટણ જિલ્લાન ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % પ્રમાણે બેઠકો ભરવાની કામગીરી અંતર્ગત પહેલી એપ્રિલ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ની ચકાસણી કરી એપ્રૂવ અને રિજેક્ટ કરવાનો અંતિમ સમયગાળો હતો. જે અંતર્ગત જિલ્લામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે 2516 ઓનલાઇન અરજીઓ થવા પામી હતી જે પૈકી 1743 અરજી મંજૂર કરવામાં આવી છે જ્યારે 130 અરજીઓ રિજેક્ટ અને 643 અરજીઓ કેન્સલ થવા પામી છે.

ગત વર્ષે પાટણ જિલ્લામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં કુલ 650 સીટો ઉપલબ્ધ બની હતી જે પૈકી 450 જેટલી સીટો ભરાઈ હતી.દરમિયાન ચાલુ સાલે પ્રવેશ પ્રક્રિયામાં ગત વર્ષે જેટલી સીટો ભરાઈ હતી તેના આધારે ચાલુ સાલે સીટોની ફાળવણી કરવામાં આવેલ છે. જેથી પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર 281 સીટો પર પ્રવેશ આપવામાં આવશે જેની સામે 1743 અરજીઓ છે. જેથી પાટણ જિલ્લામાં આરટીઈ અંતર્ગત બેઠકોની સંખ્યા વધારવામાં આવે તેવી વાલીઓની વ્યાપક માગણી છે.