રીપોર્ટ@પાટણ: ચર્ચાસ્પદ બનેલા ઝીલિયા ગેંગવોર મામલે આખરે મોટી કાર્યવાહી, ભાવેશ દેસાઈ સહિત 4 સામે FIR
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ઝીલિયા ગેંગવોર મામલે આખરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં પોતાનો ખોફ ફેલાવવા મથતી અને 'મસ્તાની ગેંગ' ઓપરેટ કરતા મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ સહિત કુલ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં અગાઉ પોલીસની શંકાસ્પદ ભૂમિકાને પગલે એક પીઆઈ (PI) સહિત 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો હતો.
આ ગેંગવોર પાછળ રૂપિયાની લેવડદેવડનો વિવાદ મુખ્ય કારણ હતો. આ મામલે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ગેંગના સભ્યો દ્વારા વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી અને હથિયારો સાથે આતંક ફેલાવવામાં આવ્યો હતો.પોલીસે આ મામલે મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. FIRમાં નોંધાયેલા નામો મુજબ, આ કેસમાં ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ તેમજ ભાર્ગવ દેસાઈ, અક્કી દેસાઈ અને દેવું દેસાઈનો સમાવેશ થાય છે.
આ ગેંગવોર વખતે પોલીસની નિષ્ક્રિયતા અથવા કથિત સંડોવણીને લઈને ઉચ્ચ અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું હતું. ઝીલિયા ગેંગવોરમાં પોલીસની ઈમેજ ખરડાતા, જવાબદાર પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ‘ઘરે બેસાડી’ દેવાતા સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

