રીપોર્ટ@પાટણ: વનવિભાગનાં ટેન્ડરોમાં પારદર્શકતા સામે સવાલો, એજન્સીઓના નામ કોણ છૂપાં રાખવા માંગે

 
પાટણ વનવિભાગ
લાખોની રકમના ખર્ચ વાળા વિવિધ ટેન્ડરો મેળવનાર રેન્જ અને ડીસીએફ કચેરી સાથે પહોંચ ધરાવે છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


પાટણ વનવિભાગનાં સમયાંતરે આવતાં નાના મોટા ટેન્ડરમાં પારદર્શકતા કેટલી હશે તે આજે સૌથી મોટો સવાલ બની ગયો છે. કોઈપણ કચેરી સરકારી કામનો ઠેકો જે કોન્ટ્રાક્ટર કે એજન્સીને આપે તેનું નામ કેમ જાહેર ના થાય ? માર્ગ મકાન વાળા તો જાહેરમાં બોર્ડ મારીને ઠેકેદારની વિગતો આપે પરંતુ પાટણ વનવિભાગ કેમ કોન્ટ્રાક્ટર એજન્સીનુ નામ હજુસુધી નથી આપતી તે ચોંકાવનારું છે. નાણાંકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમ્યાન કોણે કયા ટેન્ડર લીધા તે ઠેકેદાર એજન્સીના માત્ર પણ જાણવા અઘરા થઈ પડ્યા છે. આ ક્ષેત્રમાં તજજ્ઞો જણાવે છે, એજન્સીના નામ તો મૌખિક ચર્ચામાં પણ આપી શકાય. હવે અહીં કેમ અને કોણ છૂપાછૂપી કરી રહ્યું તે સમજીએ.

પાટણ જિલ્લા વનવિભાગની ડીસીએફ અને તાબા હેઠળની રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા વર્ષ દરમ્યાન રોપાના વાવેતર, ઉછેર, જાળવણી સહિત ખાતાકીય કામો થતાં રહે છે. આ સાથે સિવિલ એટલે કે બાંધકામ સંબંધિત કામો પણ થતાં હોય છે ત્યારે આ બંને પ્રકારના કામો માટે ટેન્ડર થતાં રહે છે. હવે ગત બંને નાણાંકીય વર્ષ દરમ્યાન વિવિધ ટેન્ડરો કઈ એજન્સીને સોંપવામાં આવ્યા તે મૌખિક તો છોડો લેખિત અરજીમાં પણ જાણી શકાયા નથી. બંને પ્રકારના ટેન્ડરના કામો માત્ર કયા ઠેકેદારે પૂર્ણ કર્યા તે સરકારનુ હિત ઈચ્છતા સૌ કોઈ માટે મહત્વના છે. એટલા માટે કે, લાખોની રકમના ખર્ચ વાળા વિવિધ ટેન્ડરો મેળવનાર રેન્જ અને ડીસીએફ કચેરી સાથે પહોંચ ધરાવે છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને વર્ષ દરમ્યાન થયેલી ટેન્ડર પ્રક્રિયા પણ કેટલી પારદર્શક છે તે જાણવું જરૂરી છે. કેમ કે ટેન્ડરોની જાહેરાત કયા ન્યુઝપેપરમાં આવી ? નજીવો ફેલાવો ધરાવતા ન્યુઝપેપરમાં જાહેરાત આવી હતી કે ગુજરાતના અગ્રિમ હરોળના છાપાં તે પણ પ્રશ્ન છે. વાત આટલી નથી, જાણકારોના મતે, એજન્સીઓની પસંદગી બાબતે સૌથી મોટી શંકા એટલા માટે છે કે, નાણાંકીય ચૂકવણું કઇ એજન્સીને કેટલું કર્યું તે પણ છૂપાંછૂપી રહ્યું છે. તો વળી ઓનલાઇન કર્યું કે ઓફલાઇન તે પણ જાણવું ભારે થઈ પડ્યુ છે. હવે જો આ કામો અને વનવિભાગનું ચૂકવણું પારદર્શક હોય તો એજન્સીના નામો કેમ અને કોણ છૂપાવવા હવાતિયાં મારી રહ્યું છે.