રીપોર્ટ@રાધનપુર: આ ગામોમાં MLA લવિંગજીની ગ્રાન્ટ ઝીરો? ભાજપી વિચારધારાના સરપંચ પતિનો ઘટસ્ફોટ

 
રાધનપુર
લવિંગજી આવ્યા ત્યારથી ઝીરો ગ્રાન્ટ હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


રાધનપુર વિધાનસભાના ભાજપી ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ગ્રાન્ટ બાબતનો સૌથી પહેલો વિવાદ સામે આવ્યો છે. ખુદ ભાજપી વિચારધારાના મહિલા સરપંચે લેખિતમાં અને તેમના પતિએ રૂબરૂમાં ખુદ જિલ્લા ભાજપા પ્રમુખ સમક્ષ હૈયાવરાળ ઠાલવી છે. આ રજૂઆત કે આક્ષેપ ભલે સામાન્ય લાગે પરંતુ 10થી વધુ ગામોની યાદી આપી દાવો કર્યો છે કે, ધારાસભ્ય લવિંગજી આવ્યા ત્યારથી ઝીરો ગ્રાન્ટ છે. જ્યારે ભાજપના અગાઉના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર થોડી થોડી ગ્રાન્ટ આપી સૌ ગામોનો સમાવેશ કરતાં હતા. હવે અહિં સૌથી મોટો સવાલ થાય કે, શું ધારાસભ્ય લવિંગજી ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ કરી શકે ? ભેદભાવ કરવાના આક્ષેપ સામે કારણો શું? જાણીએ સ્પેશ્યલ રિપોર્ટમાં.

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિરુદ્ધની રજૂઆત ખુદ ભાજપાના સમર્થકે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સમક્ષ કરી દીધી. લેખિતમાં એક કાગળ આપ્યો અને મૌખિકમાં જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા તેનાથી ઘડીભર ચોંકાવનારી સ્થિતિ બની હતી. બાદરપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સોલંકી માણેકબેને પોતાના સરપંચ સંગઠનના નેજા હેઠળ ધારાસભ્ય લવિંગજીની ગ્રાન્ટ ફાળવણી બાબતે ગંભીર સવાલો અને આક્ષેપો ઉભા કર્યા છે. આજે જિલ્લા ભાજપા પ્રમુખ સિંધવ રમેશભાઈ રાધનપુર પહોંચી રહ્યા હોવાની જાણ થતાં મહિલા સરપંચના પતિ સોલંકી મુકેશભાઈ દોડી આવ્યા હતા. અહિં ભરચક બેઠકમાં ભાજપા વિચારધારાના સોલંકી મુકેશભાઈએ તેમના પત્નીનો લેટર જિલ્લા ભાજપા પ્રમુખને આપી અમુક ગામોને ઢગલાબંધ ગ્રાન્ટ ફાળવણી થાય અને કેટલાક ગામોને વિકાસના કામોની જરૂરીયાત છતાં લવિંગજી આવ્યા ત્યારથી ઝીરો ગ્રાન્ટ હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવનો આ સીધો આક્ષેપ અને વિવાદ ત્યારે સપાટી પર આવ્યો કે, આ રજૂઆત અગાઉ ખૂબ થઈ છતાં પરિણામ નથી મળ્યું. આ બાબતે પૂછતાં સોલંકી મુકેશભાઈએ જણાવ્યું કે, અમારા સંગઠનના સરપંચ સભ્યો અમોને વારંવાર ફરિયાદ કરે છે કે, ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ગ્રાન્ટ મળતી નથી આથી અમો વારંવાર ધારાસભ્યને રજૂઆત કરતા રહ્યા પરંતુ સાડા ત્રણ વર્ષ વીતી જવા છતાં ગ્રાન્ટ ફાળવી નથી. આમાં વધુ જણાવતાં સોલંકી મુકેશભાઈ કહે છે કે, એમપીની ગ્રાન્ટ ક્યારેય મળી નથી અને લવિંગજી આવ્યા ત્યારથી નથી મળી પરંતુ અલ્પેશજી ઠાકોર થોડી પણ ગ્રાન્ટ આપતાં ખચકાતાં નહોતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ધારાસભ્ય લવિંગજી ઠાકોર ગામો વચ્ચે ભેદભાવ કરે છે? કરે છે તો કેમ? તે બાબતે આગામી રીપોર્ટમાં જાણવા પ્રયત્ન કરીએ.


સોલંકી મુકેશભાઈના દાવા મુજબ આ ગામોમાં ધારાસભ્યની ઝીરો ગ્રાન્ટ ??


શેરગઢ 
કોલાપુર 
બાદરપુરા
નાના પુરા
સિનાડ 
નજુપુરા 
પોરાણા
મસાલી 
ભાડીયા
સરદારપુરા
દેગામ
ગોતરકા