રિપોર્ટ@રાજકોટ: આવડી મોટી દુર્ઘટના બની, છતાંય કેમ ગાયબ છે પુરષોત્તમ રૂપાલા?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ ગેમઝોનની આગમાં 28 જીવતા ભુંજાયા. બે દિવસથી પીડિત પરિવારોએ પાણી પીધું નથી, તેમના ગળાથી કોળિયો પણ ઉતર્યો નથી. બે દિવસથી રાજકોટમાં ધમાલ મચી છે. ગાંધીનગરમાં બેસેલી સરકાર પણ દોડતી થઈ ગઈ છે, પરંતુ ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા આખા પિક્ચરમાં ગાયબ છે.મત માંગવા રૂપાલા આખું રાજકોટ ફેંદી વળ્યાં, સભાઓ કરી, રેલીઓ કાઢી, પરંતુ જ્યારે રાજકોટને જરૂર પડી ત્યારે જ રૂપાલા ગાયબ રહ્યાં.
રાજકોટ માટે રૂપાલાની બે લાઈનની ટ્વિટ
રાજકોટ ખાતે TRPગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ઘટના વિશે સાંભળીને શોકની લાગણી અનુભવું છું. આ ગંભીર દુર્ઘટનામાં રાહત, બચાવ અને ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર આપવા માટે કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી. પ્રભુ મૃતકોના આત્માને ચિર શાંતિ સહ તેમના પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેમજ ઈજાગ્રસ્તનો ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે, તેવી પ્રાર્થના.
રાજકોટ અગ્નિકાંડમાં અડધું રાજકોટ પીડિત પરિવારોની મદદે આવ્યું હતું. સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાંધીનગરથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી આવી ગયા હતા. બે દિવસથી રાજકોટ આખા દેશમા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવા મોટા અગ્નિકાંડમાં ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા ગાયબ દેખાયા. આટલી મોટી ઘટનામાં રૂપાલાએ માત્ર બે ટ્વીટ કરીને પોતાની જવાબદારી પૂરી કરી. રૂપાલા એવા તો કયા કામમાં વ્યસ્ત હતા, તે તેઓને રાજકોટની હોસ્પિટલમાં પીડિત પરિવારોને મળવાનો વિચાર પણ ન આવ્યો.
આંતરિક વિવાદ અને રાજપૂતોના વિરોધ વચ્ચે પણ ભાજપ પોતાના ઉમેદવાર માટે મક્કમ હતું. રાજકોટમાંથી રૂપાલા નહિ હટે તેવું ભાજપે ઠાની લીધું હતું. વિરોધ વચ્ચે પણ રાજકોટવાસીઓ રૂપાલાને પડખે રહ્યા હતા. ભાજપના ઉમેદવારને તેઓએ માથે બેસાડીને સાથ આપ્યો હતો. રૂપાલાએ જ્યાં જ્યાં રેલી કરી ત્યાં રાજકોટમાં જનમેદની ભેગી થઈ હતી. રાજકોટવાસીઓએ રૂપાલાને સાથ આપ્યો, પણ જ્યારે રાજકોટવાસીઓને જરૂર પડી ત્યારે રૂપાલા જ ન દેખાયા.
શું રૂપાલાને રેલી અને સભા યોજવાનો સમય હતો, પણ રાજકોટવાસીઓના આસું લૂંછવાનો સમય તેમને ન મળ્યો. રૂપાલા લોકસભાની ચૂંટણીમાં જીત્યા તો આ જ તેમનો સંસદીય વિસ્તાર બનશે. પરિણામ પહેલા જ રૂપાલા રાજકોટની અવગણના કરી શક્તા હોવ, તો પછી પરિણામ બાદ શું થશે. ગમે તે હોય, પણ રૂપાલાજી આ તમારી જવાબદારીમાં આવતું હતું. રાજકોટના ઉમેદવાર તરીકે નહિ, પણ માનવતા દાખવીને પણ ભાજપના અન્ય નેતાઓની જેમ તમારે રાજકોટ આવવું જોઈતું હતું.