રીપોર્ટ@સાબરકાંઠા: કરોડોના રોપા ખરીદીમાં તાલુકે તાલુકે કારણો અલગ, મનરેગા કૌભાંડ ભાગ-2

 
મનરેગા કૌભાંડ
કરોડોની રકમ ખર્ચવા ટેન્ડરની માથાકૂટમાં ના પડવું પડે એટલે લાભાર્થીઓના લખાણને આધાર બનાવ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના હેઠળના બાગાયત રોપા ખરીદી કૌભાંડમાં ચોંકાવનારી માહિતીઓ બહાર આવી રહી છે. ડીઆરડીએ કહે છે કે તાલુકાઓથી ટેન્ડર થયું હશે, હવે તાલુકાવાળા અલગ અલગ કારણો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં કરોડોના રોપા ખરીદીમાં રેલો તાલુકામાં જઈ રહ્યો છે. વાત એટલા સુધી છે કે, રિમોટ કંટ્રોલ ડીઆરડીએમા હતું પરંતુ હવે કાગળ ઉપર તાલુકાનુ નામ આવી રહ્યું છે. રોપા કૌભાંડમાં પારદર્શક ખરીદી મામલે તાલુકામાંથી આવેલા કારણો સમજીએ એટલે ઘટસ્ફોટ તુરંત સમજી શકાશે.

સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસની મનરેગા શાખા તમામ તાલુકાઓમાં કાર્યરત છે. જેમાં ગત સમયે ચારેક જેટલા તાલુકામાં બાગાયત પાકના રોપા ખરીદી સામે ઢગલાબંધ બીલો રજૂ થયા હતા અને પછી ચૂકવણું પણ કર્યું હતુ. એકસાથે સંખ્યાબંધ ખેડૂત લાભાર્થીઓને રોપા જરૂર હોઈ ટેન્ડર કરવાને બદલે તાલુકા મારફતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ. આ બાબતે કેટલાક તાલુકા જણાવે છે કે, "લાભાર્થીઓના બીલો આધારે ચૂકવી દીધા" એટલે ટેન્ડર નહિ કરવા લાભાર્થીઓના લખાણને વિકલ્પ બનાવી લીધો. જ્યારે એક તાલુકાના એપીઓ જણાવે છે કે, ત્રણ ભાવ લઈને બીલ આધારે ચૂકવણી કરી હતી. જ્યારે અન્ય તાલુકા કહે છે કે, એસ.ઓ.આર ભાવ હતા એટલે તે મુજબ ચૂકવ્યા છે. હવે એસ.ઓ.આર ભાવ હોય તો શું ટેન્ડર ના થાય ? સમગ્ર મામલે હકીકત એવી છે કે, કરોડોની રકમ ખર્ચવા ટેન્ડરની માથાકૂટમાં ના પડવું પડે એટલે લાભાર્થીઓના લખાણને આધાર બનાવ્યું છે. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એકસાથે અનેક જગ્યાએ એક જ કેટેગરી ખરીદી થવાની હોય તેવા સંજોગોમાં ટેન્ડર કરવું પડે. જો ટેન્ડર કર્યું હોત તો પારદર્શક હરિફાઇથી ગ્રામ વિકાસ એજન્સીને ખૂબ ઓછાં ભાવે રોપાનું ચૂકવણું થઈ શક્યું હોત અને સરકારનું નાણાંકીય હીત સાચવી શકાત. જોકે ડીઆરડીએના રિમોટ કંટ્રોલ સૂબેદારે તાલુકાઓની કાગળ ઉપર જવાબદારી ગોઠવી ઈરાદાપૂર્વક એક જ એજન્સી પાસેથી ખરીદી કરાવી છે. અલગ અલગ તાલુકાના લાભાર્થીઓ એકસાથે આ એજન્સી પાસે કેવી રીતે ગયા ? અથવા એજન્સીને કેવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું કે, બધા તાલુકાના તમામ લાભાર્થીઓને રોપા આપવા છે? એક તાલુકાના લાભાર્થીઓ પોતાનો વિસ્તાર છોડી અન્યત્ર ગયા હશે? શું આ એકમાત્ર એજન્સી જ એવી છે કે, જરૂરિયાત મુજબના રોપા આપી શકે ? બધા જ લાભાર્થીઓ ગ્રામ પંચાયતના ઠરાવો રજૂ કરતાં હતાં ત્યારે ફાઇલ આધારે ગ્રામ વિકાસ એજન્સીએ ટેન્ડર કરવા કેમ બેદરકારી દાખવી? કમસેકમ જે તે તાલુકા પંચાયતે પણ કેમ ટેન્ડર ના કર્યું? આ સમગ્ર વિષયમાં એકમાત્ર ટેન્ડરની કચાશ નથી, એજન્સીના એક સર્ટીફીકેટ મામલે પણ બીલ ચૂકવતી વેળા ક્ષતિ આવી હતી તે આગામી ન્યૂઝ રિપોર્ટમાં જાણીએ.