રીપોર્ટ@સંજેલી: નરેગામાં વારંવાર મજૂરી માંગી છતાં ના મળી, ગરીબોએ કાયદાનો આધાર લીધો, ટીડીઓ કેમ અજાણ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંજેલી તાલુકામાં મનરેગા યોજના કમ કાયદા બાબતે અત્યાર સુધીની સૌથી મોટી ઘટના સામે આવી છે. આ ઘટના કમ રજૂઆતને 2 રીતે સમજવી પડશે તો ખ્યાલ આવશે. ગામમાં મનરેગા યોજના હેઠળ વારંવાર મજૂરીની માંગ કરી છતાં કોઈ પરિણામ મળ્યું નહિ. આખરે 20 વ્યક્તિના કુટુંબના આગેવાનોએ ટીડીઓને મળી કાયદાની રૂએ બેરોજગારી ભથ્થું આપવા લેખિતમાં રજૂઆત કરી દીધી. હવે અહીંથી 2 બાબતો ઉભી થઇ કે, ટીડીઓએ અરજી પૂરી વાંચી નહિ અને બેરોજગારી નથી માંગી મારે જોવું પડશે કહ્યું. જ્યારે બીજીબાજુ એક મોટો સવાલ થાય કે આખા ગુજરાતમાં સૌથી વધારે મનરેગાની રોજગારી દાહોદ જિલ્લામાં ઉભી થાય છે તો આ ગામનાં પરિવારોને કેમ નહિ? આખોય ઘટનાક્રમ અને 2 વિષયો સમજીએ અહીં.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મોલી ગૃપ ગ્રામ પંચાયતના ગસલી ગામનાં સુરેશભાઈ વળવાઈ અચાનક ટીડીઓ કચેરી દોડી ગયા હતા. ગત 12 માર્ચે પોતાના પરિવાર સાથે સુરેશભાઈએ સંજેલી તાલુકા પંચાયતમાં અરજી આપીને જણાવ્યું કે, ઘણા સમયથી નરેગા હેઠળ રોજગારી માંગણી કરીએ છતાં મળી નથી અને હવે નાણાંકીય વર્ષ 2024-25 પૂર્ણ થવા જઈ રહ્યું એટલે મનરેગા કાયદાની જોગવાઇ હેઠળ બેરોજગારી ભથ્થું આપો. આ બાબતે લેખિત અરજી દરમ્યાન ટીડીઓ કૃણાલ ડામોરે આગામી નાણાંકીય વર્ષમાં રોજગારી આપીશું કહીને અરજી સ્વિકારી લીધી હતી. મનરેગાના ભરપૂર કામો અને અસંખ્ય લેબર દિવસો વચ્ચે બેરોજગારી ભથ્થાની અરજી સવાલ ઉભો કરતી હોઈ ટીડીઓને પૂછતાં જે જણાવ્યું તે ચોંકાવનારું રહ્યું, વાંચો નીચેના ફકરામાં.
સંજેલી ટીડીઓ કૃણાલ ડામોરે તો સૌપ્રથમ એવું કહ્યું કે, બેરોજગારી ભથ્થું નથી માગ્યું પરંતુ રોજગારી માંગી હોઈ ચાલુ કામમાં અથવા આગામી નાણાંકીય વર્ષમાં યોગ્ય કરવા કહ્યું છે. અમોએ કહ્યું કે, અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે, બેરોજગારી ભથ્થું આપો ત્યારે ટીડીઓ કહે મેં અરજી વાંચી નથી. હવે અહીં સવાલ થાય કે, અરજી વાંચી નથી તો અર્થઘટનમાં ભિન્નતા કેમ? આ બાબતે અરજદાર સુરેશભાઈ વળવાઈ જણાવે છે કે, બેરોજગારી ભથ્થું માગ્યું જ છે. હવે અહીં સવાલ થાય કે, 20 વ્યક્તિને આખું વર્ષ કોણે અને કેમ મનરેગા હેઠળ રોજગારી નથી આપી ? અથવા જો આપી હોય તો બેરોજગારી ભથ્થાની અરજી આવી કેમ ? આ સવાલો એટલા માટે કે, દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં મનરેગાના અસંખ્ય કામો ચાલતાં હોય છે અને કરોડોની રકમ લેબર પેમેન્ટ હેઠળ ફળવાય છે ત્યારે મોલી ગૃપ ગ્રામ પંચાયતના રહીશો કેમ અને કેવીરીતે બેરોજગારી ભથ્થું લેવા મજબૂર બન્યા? આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં મોલી ગૃપ ગ્રામ પંચાયતના મનરેગા હેઠળના કામો અને કોને લેબર પેમેન્ટ થયું તેની તપાસ આધારીત ઘટસ્ફોટ કરવા પ્રયત્ન કરીશું.