રિપોર્ટ@સાપુતારા: ચીફ ઓફીસરની બદલીને લઈ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચિમકી

 
બહિષ્કાર

સાપુતારામાં બે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવાગામ સાપુતારાના ગ્રામજનોએ આજે ડાંગ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલી રદ નહી થાય તો સાપુતારામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે,તો સાપુતારાના વિસ્થાપિત એવા નવાગામના લોકોએ અગાઉ 3 દિવસ માટે સાપુતારા બંધ રાખી આંદોલન કર્યું હતું,સાપુતારા બંધ સાથે અનેક રજુઆત બાદ પણ ચીફ ઓફિસર ને ફરી નિમણુંક ન થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.સ્થાનિકોએ અગાઉ સાપુતારા પોલીસ સ્ટેશને પ્રથમ તબક્કાનું આવેદનપત્ર આપ્યું હતું.

સાપુતારામાં બે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી. ત્યારે નવાગામના લોકોમાં ખુશી હતી. પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનારા નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. બદલી નહીં અટકે તો ગ્રામજનોએ સાપુતારા બંધ પાળી રસ્તા રોકો આંદોલન અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.સાપુતારામાં છેલ્લાં ૧૦ વર્ષથી ઇનચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવતું હતું. જેના પગલે સાપુતારા અને નવાગામના કેટલાક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો. આથી બે માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડો.ચિંતન વૈષ્ણવની વરણી કરવામાં આવી હતી.

આ બે માસ દરમિયાન સાપુતારા અને નવાગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું. પરંતુ સરકાર દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતાં નવાગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો પ્રથમ ગાંધી ચિંધ્યા માર્ગે આવતીકાલથી સાપુતારા સદન બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવાયો છે.