રિપોર્ટ@સુરત: ફૉર્મ રદ થયા બાદ નીલેશ કુંભાણી આવ્યા સામે, કોંગ્રેસ પર શું આરોપ લગાવ્યા? જાણો

 
Kumbhani
તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના નેતાઓએ ચૂંટણીપ્રચાર દરમિયાન સાથ ન આપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા બેઠક પર ફૉર્મ રદ થયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયેલા કૉંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હવે સામે આવ્યા છે અને કૉંગેસ પર દગો કરવાનો આરોપ લગાવ્યો છે.નીલેશ કુંભાણીએ કૉંગ્રેસ પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે. જોકે અગાઉ કૉંગ્રેસે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

સુરત લોકસભા બેઠક પરથી કૉંગ્રેસે નીલેશ કુંભાણીને ટિકિટ આપી હતી. બાદમાં ટેકેદારોની સહી મામલે થયેલા વિવાદ બાદ તેમનું ફૉર્મ રદ કરવામાં આવ્યું હતું અને અંતિમ સમયમાં બસપા સહિત અપક્ષના તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ આ બેઠક પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. નીલેશ કુંભાણીએ કૉંગ્રેસ પાર્ટી, ફૉર્મ રદ થવાની સ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે "2017માં કૉંગ્રેસે 'ટિકિટનો સોદો' કર્યો હતો, મને મૅૅન્ડેટ આપ્યું અને પછી 100 લોકો સાથે ભાજપમાંથી આવેલી વ્યક્તિને ટિકિટ આપીને મારી સાથે 'ગદ્દારી' કરી હતી. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ આ ગદ્દારીનો બદલો લીધો છે અને તેમની સાથે હું પણ છું."

તેમણે કહ્યું કે "જે ટેકેદારો હતા એમાં એક જ મારા સંબંધી હતા. બાકીના કૉંગ્રેસના હતા." તેમણે જણાવ્યું હતું કે "ટેકેદારો મને સમજાવતા હતા કે આપણે ચૂંટણી નથી લડવી. ટેકેદારો કૉંગ્રેસના કાર્યકર્તાઓથી થાકી ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અમારી સાથે કામ કરતા તેનો પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરતા હતા. તેથી મારા ટેકેદારોએ મને ઘણી વખત કહેતા કે રહેવા દો, ચૂંટણી નથી લડવી."તેમણે જણાવ્યું કે, "ચૂંટણી રદ થાય તેવો કોઈ ઈરાદો ન હતો. મારી સાથે બીજા 15 જેટલા લોકોએ ફૉર્મ ભર્યાં હતાં જેમાં કૉંગ્રેસના પણ અપક્ષ ઉમેદવાર હતા અને અન્ય પણ હતા, તેમણે કેમ ફૉર્મ પાછાં ખેંચી લીધાં એ તેમને જઈને પૂછો."

તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના નેતાઓએ ચૂંટણીપ્રચાર દરમિયાન સાથ ન આપ્યો. પરેશ ધાનાણી જ્યારે સુરતમાં આવ્યા હતા ત્યારે કૉંગ્રેસના એક પણ મોટા આગેવાન તેમની સાથે સ્ટેજ પર ન હતા અને મારી સાથે કોઈ પણ પ્રચારમાં પણ આવતું ન હતું, માત્ર મતદારો જ મારી સાથે હતા. તેમણે જણાવ્યું કે "મારું ફૉર્મ રદ થયા બાદ હું અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે નીકળ્યો હતો. પરંતુ કરજણ પહોંચ્યા હતા ત્યાં મને જાણવા મળ્યું કે કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મારા ઘરે વિરોધ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ મેં નક્કી કરી લીધું કે હવે કૉંગ્રેસ સાથે નહીં રહું.