રીપોર્ટ@સુરત: ભાજપના ગઢમાં જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નેતાઓને જનતાએ ધક્કા મારી કાઢી મુક્યા

 
રાજકારણ
લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે ઉમેદવારોને પોલીસનું શરણ લેવું પડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને ગો બેકના નારા સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા પરિસ્થિતિ વધુ વણસી હતી.

લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે એક નહીં, પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. જનતાના ભારે વિરોધને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.સુરત મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પક્ષ માટે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગોરાટ વિસ્તારમાં અશાંતધારાનો અમલ થયો ન હોવાની ફરિયાદ સાથે લોકોમાં ભાજપના ઉમેદવાર પ્રત્યે ભારે રોષ છે.

વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવાર ગોરાટ મંદિરે દર્શન કરવા જવાના છે તેવી જાણ થતા જ સ્થાનિક મહિલાઓએ કાળાં કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મંદિરે ભલે દર્શન કરવા આવો, પણ સોસાયટીમાં પ્રચાર કરવા આવશો નહીં.ઉમેદવાર સાથે ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, માજી મેયર હેમાલી બોઘાવાલા તેમજ પૂર્વ ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલા પણ ઉપસ્થિત હતા. મહિલાઓએ આ નેતાઓનો ઉધડો લેતા કહ્યું હતું કે, જ્યારે જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી અને હવે મતો માંગવા આવી ગયા છો. આક્રોશિત મહિલાઓ, યુવાનો અને અન્ય લોકોએ ભાજપ ગો બેક અને જય શ્રી રામના નારા લગાવી ઉમેદવારોને ધક્કે ચઢાવ્યા હતા.

આ સમયે ઉમેદવારના કેટલાક ટેકેદારોએ દાદાગીરી કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ટેકેદારો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રોષે ભરાયેલી મહિલાઓએ દાદાગીરી કરનારાઓ પર હાથ સાફ કરી ટપલીદાવ પણ કર્યો હતો.સ્થાનિકો સાથે થયેલી આ ઝપાઝપી બાદ મામલો ગંભીર બનતા તાત્કાલિક પોલીસ કાફલો બોલાવાયો હતો.