રીપોર્ટ@સુરેન્દ્રનગર: ગોપાલ ઇટાલિયા સહિત AAP નેતાઓના કલેક્ટર કચેરીએ ધામા, શું છે સમગ્ર મામલો? જાણો

 
ગોપાલ ઇટાલીયા
ટોળાંમાં એકઠી થયેલી ઘણી મહિલાઓ ઉપર પણ FIR કરવામાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં આજે પણ નાના ગામડાઓ હોય કે આદિવાસી વિસ્તાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરતી સરકારની કોઈ પણ વ્યક્તિ આવા મુદ્દાઓ પર ક્યારેય આગળ આવતા નથી. પાક રસ્તાઓના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.ક્યાંક પ્રસુતાને ઝોળીમાં નાખી અને હોસ્પિટલ પહોંચાડવી પડે છે તો એમ્બ્યુલન્સ ન પહોંચી શકવાના અભાવે આજે પણ રસ્તામાં ડિલિવરી થઇ જાય છે. ત્યારે આજે વધુ એક આવી જ ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે. અને તેના માટે ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, ઈસુદાન ગઢવીએ ત્યાં પહોંચ્યા હતા. અને કલેક્ટરને આવેદન પાઠવવા પહોંચ્યા હતા.

સુરેન્દ્રનગરની એક સોસાયટીમાં મહિલા ગર્ભવતી હતા, તેમની ડિલિવરીનો સમય આવી ગયો હતો. પરંતુ અત્યંત ખરાબ રોડ, ખાડા અને ભયંકર કિચડના કારણે એમ્બ્યુલન્સ તેમના ઘર સુધી આવી શકી નહીં અને ખરાબ રોડ પર જ એ મહિલાની ડિલિવરી થઈ ગઈ. ઘટના બાદ સોસાયટીની તમામ મહિલાઓ અને સાથે સાથે પુરુષોમાં પણ ખૂબ જ આક્રોશ આવ્યો. ત્યારબાદ સુરેન્દ્રનગરની પોલીસે અનેક લોકો પર ટોળું એકઠું કરીને રોડ રોકવા બાબતે ગુનો દાખલ કર્યો અને ધરપકડ કરવાનો આદેશ કર્યો.રસ્તાના અભાવે મહિલાની રોડ પર ડિલિવરી થાય એ આપણા તમામ લોકો માટે શરમજનક ઘટના છે. સ્વયંભૂ એકઠા થયેલા લોકો પર FIR દાખલ કરવી એ તાનાશાહી છે. ગુજરાતના લોકોનો આત્મા જાગે અને તેઓ પોતાની જાતને સવાલ પૂછે કે એક બહેનની ડિલિવરી રોડ ઉપર થાય તે ગુજરાત માટે શું વ્યાજબી છે ?મહિલાની રોડ પર ડિલિવરી થઇ અને લોકોએ મદદ માંગી તો પોલીસએ FIR કરી, આ શું થઇ રહ્યું છે? આમ આદમી પાર્ટી ભાજપના નેતાઓને આંખમાં કણાની જેમ ખૂંચે છે.

ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા અને વિક્રમઈ દવે સહિતના લોકોએ ડીવાયએસપીને રજૂઆત કરી અને કહ્યું કે, આ કઈ હદની તાનાશાહી છે કે રોડ ન હોવાના કારણે એક મહિલાની રોડ પર ડિલિવરી થઈ ગઈ અને તેના આક્રોશમાં જે લોકો એકઠા થયા તે લોકોની ધરપકડ કરવાના ઓર્ડર આપો છો. એમાં પણ ટોળાંમાં એકઠી થયેલી ઘણી મહિલાઓ ઉપર પણ FIR કરવામાં આવી છે. તો આ બાબતે અમે ડીવાયએસપીને રજૂઆત કરી છે અને અધિકારીઓએ અમને સરકારી જવાબ આપ્યો છે. સરકારી જવાબ કરતા હવે જનતાનો આત્મા જાગે એ વધુ જરૂરી છે.