રીપોર્ટ@વડોદરા: યુનાઈટેડ વે ગરબામાં ફરી વિવાદ સર્જાયો, સિક્યુરિટી સ્ટાફ અને ખેલૈયા વચ્ચે ખૂલ્લેઆમ મારામારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના સૌથી મોટા ગરબા આયોજન, યુનાઈટેડ વે ગરબામાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. નવરાત્રિની પવિત્રતાને લાંછન લગાડતી આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સિક્યુરિટી સ્ટાફ અને ખેલૈયા વચ્ચે ખૂલ્લેઆમ મારામારી થતી જોવા મળે છે. આ સમગ્ર મામલો વાહન પાર્કિંગ અને તેને મેદાનમાંથી બહાર કાઢવા જેવી સામાન્ય બાબતે શરૂ થયો હતો. જેણે ટૂંક સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ વિવાદે ગરબાના આનંદમય માહોલને ખરાબ કરીને આયોજનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.જ્યારે વાહન કાઢવા બાબતે મામલો બીચક્યો, ત્યારે એક ખેલૈયાએ હદ વટાવી દીધી હતી. ગુસ્સે ભરાયેલા ખેલૈયાએ એક સિક્યુરિટી કર્મીને જાહેરમાં માર માર્યો હતો. માત્ર એકલદોકલ મારામારી નહોતી, સામે પક્ષે સિક્યુરિટી સ્ટાફે પણ ખેલૈયાઓ સાથે ઝપાઝપી કરી હતી. આ ઘટનાનો સૌથી ચિંતાજનક પાસું એ છે કે, જ્યારે આ મારામારી ચાલી રહી હતી, ત્યારે આસપાસના અન્ય સિક્યુરિટી કર્મીઓ માત્ર તમાશો જોતા રહ્યા હતા અને તેમણે પોતાના સાથી કર્મીની મદદ કરવા માટે તાત્કાલિક કોઈ અસરકારક પગલાં લીધા નહોતા. આનાથી સુરક્ષા વ્યવસ્થાની નિષ્ક્રિયતા સ્પષ્ટ થાય છે. યુનાઈટેડ વે ગરબા જેવા મોટા આયોજનમાં વારંવાર બનતી આવી ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કરે છે. જ્યારે લાખો લોકોની ભીડ એકઠી થતી હોય, ત્યારે સિક્યુરિટી સ્ટાફની નબળી કામગીરી અને સંકલનનો અભાવ જાળવવો અશક્ય છે.