ઘટસ્ફોટ@અમદાવાદ: દેસાઇ ગ્રૂપ પર ઈન્ક્મટેક્સની તપાસ, 600 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા

 
દરોડા

પાંચ ટકાથી લઇને 20 ટકા સુધીનું વ્યાજ વસૂલ કરતા હોવાની વિગતો અધિકારીઓને મળી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે જ અમદાવાદમાં ઇનકમ ટેક્સના અધિકારીઓએ ફાઇનાન્સ સાથે ડેરી અને હોટલનો વ્યવસાય કરતા દેસાઇ ગ્રૂપ પર દરોડા પાડીને 600 કરોડથી વધુના બેનામી વ્યવહારોની વિગતો શોધી કાઢી છે. પાંચ દિવસ ચાલેલી તપાસમાં બેંક લોકર અને બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. તેની તપાસ આગામી દિવસોમાં કરવામાં આવશે.

રોકડ રૂપિયા અને ઝવેરાત પણ મળી આવ્યું છે. ઝવેરાતનું વેલ્યુએશન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ દરોડાની કામગીરી પૂરી કરી દરેક પ્રિમાઇસ પર જવાબદાર વ્યક્તિના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત દેસાઇ બંધુઓ જે લોકોના રૂપિયા વ્યાજે ફેરવતા હતા તેની વિગતો પણ ડિપાર્ટમેન્ટના હાથમાં આવી જતાં તેમના સુધી તપાસનો રેલો પહોંચે તેવી સંભાવના છે.

અમદાવાદ અને ગુજરાતમાં તમામ મોટા સેક્ટરમાં દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢી હતી. ત્યારે જ બુધવારે સવારે 100થી વધુ અધિકારીઓની ટીમ ગોપાલ ડેરી અને રિવર વ્યુ હોટલના સંચાલકો ગૌરાંગ દેસાઇ અને રાજુ દેસાઇના બંગલા અને ઓફિસો પર ત્રાટક્યા હતા. અધિકારીઓએ 20 પ્રિમાઇસીસ પર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. દરોડા દરમિયાન કોથળા ભરીને દસ્તાવેજો મળતાં તપાસ ટીમમાં વધુ 20 અધિકારીઓ જોડાયા હતા.હોટલ અને ડેરી ઉપરાંત દેસાઇ બંધુઓ કરોડો રૂપિયા વ્યાજે ફેરવતા હતા. તેઓ પાંચ ટકાથી લઇને 20 ટકા સુધીનું વ્યાજ વસૂલ કરતા હોવાની વિગતો અધિકારીઓને મળી છે. દેસાઇ બંધુઓ પોતાના ઉપરાંત શહેરના ઘણા લોકોના રૂપિયા પણ વ્યાજે ફેરવતા હતા.

જે તમામ વ્યાજખોરોની વિગતો પણ ડિપાર્ટમેન્ટને મળી ગઇ છે જેને પગલે હવે ડિપાર્ટમેન્ટ દ્વારા આ વ્યાજખોરો સુધી પણ તપાસ કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ પાંચ દિવસના દરોડા બાદ અધિકારીઓ તપાસ પૂરી કરી તમામ પ્રિમાઇસીસ પર જવાબદાર વ્યક્તિઓના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે. આગામી દિવસોમાં ડિજિટલ ડેટા અને દસ્તાવેજોની તપાસ ઉપરાંત બેંક લોકર અને બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે.