ઘટસ્ફોટ@અંકલેશ્વર: આ શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં કરોડોનો ખર્ચ માથે પડયો

 
અંકલેશ્વર

તેની જાળવણી માટે કોઈ જ દરકાર લેવાઈ નહોતી, જેના કારણે કાટ લાગ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં જીઆઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર ખાતે પ્લાઝમા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ પાછળનો ખર્ચ માથે પડયો છે, એક દાયકા કરતાં વધુ સમય પછી પણ પ્રોજેક્ટ પૂરો કરી શકાયો નથી, એટલું જ નહિ પણ પર્યાવરણ મંત્રાલયના અયોગ્ય સંચાલન, જીપીસીબી સહિતની પ્રોજેક્ટ મોનિટરિંગ કમિટીની નિગરાનીમાં ખામી, કાનૂની રાહે કરારની ગેરહાજરીના કારણે વીજળીનું ઉત્પાદન કરી શકાયું નથી, જેના કારણે પ્રજાના પૈસાનો રીતસર બગાડ થયો છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે.

રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, આરએફ ટોર્ચને ઈન્સ્ટોલ કરવામાં આવી નહોતી, એટલું જ નહિ પરંતુ તેની જાળવણી માટે કોઈ જ દરકાર લેવાઈ નહોતી, જેના કારણે કાટ લાગ્યો હતો, આ સિસ્ટમને રિપેરિંગની જરૂર હોવાનું પણ કહેવાયું હતું. એટલું જ નહિ પરંતુ જમીન મકાનની કિંમતનો જે ખર્ચ કરાયો છે તે મંજૂરી મુજબ માન્ય પણ નહોતો. વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં એપ્રિલ 2015થી જાન્યુઆરી 2020 સુધી તો પ્રોજેક્ટ મોનિટરિંગ કમિટીની બેઠક સુદ્ધાં મળી નહોતી.

આ યોજનામાં ઘોર બેદરકારીના કારણે પ્રજાના પરસેવાના નાણાંનો વેડફાટ થયો છે. સીપીસીબી અને જીપીસીબીની ટીમે સપ્ટેમ્બર 2021ના અરસામાં અંકલેશ્વર ખાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું એ વખતે પ્લાન્ટ જ કાર્યરત નહોતો, જે મશીનરી લવાઈ હતી તે પણ નિષ્ક્રિય હાલતમાં હતી. જાન્યુઆરી 2023માં મંત્રાલયે 90 દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવા પણ નિર્દેશ કર્યો હતો.